અમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડ

‘યુ-વિઝા’ મેળવવા સ્ટોર માલિકો સાથે મળી સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યુ ગેરકાયદે ઘુસણખોરી બાદ વર્ક પરમિટ મેળવવા ગજબનું ભેજુ લડાવ્યું અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા…

‘યુ-વિઝા’ મેળવવા સ્ટોર માલિકો સાથે મળી સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યુ

ગેરકાયદે ઘુસણખોરી બાદ વર્ક પરમિટ મેળવવા ગજબનું ભેજુ લડાવ્યું

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11 વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ’U વિઝા’ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું.

અમેરિકામાં ’U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના CCTVમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે ’ભોગ બન્યા’ હોવાનું પણ દર્શાવતા હતા.

ત્યાર બાદ વિઝા માટે અરજી કરી દેતા હતા. જેથી તેમને આ વિઝા ખુબ જ સરળતાથી મળી જતા હતા.
અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો. ’ભોગ બનનાર’ વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે.વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2,50,000 (આશરે 2 કરોડ રૂૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે.

કૌભાંડમાં ઝડપાયેલ ગુજરાતીઓ
જિતેન્દ્રકુમાર પટેલ (39 વર્ષ): માર્શફિલ્ડ, મેસેચ્યુસેટ્સ
મહેશકુમાર પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
સંજયકુમાર પટેલ (45 વર્ષ): ક્વિન્સી, મેસેચ્યુસેટ્સ
દીપિકાબેન પટેલ (40 વર્ષ): વેમાઉથ, મેસેચ્યુસેટ્સ
રમેશભાઈ પટેલ (52 વર્ષ): યુબેન્ક, કેન્ટુકી
અમિતાબહેન પટેલ (43 વર્ષ): પ્લેનવિલે, મેસેચ્યુસેટ્સ
રોનકકુમાર પટેલ (28 વર્ષ): મેરીલેન્ડ હાઇટ્સ, મિઝોરી
સંગીતાબેન પટેલ (36 વર્ષ): રેન્ડોલ્ફ, મેસેચ્યુસેટ્સ
મિનકેશ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
સોનલ પટેલ (42 વર્ષ): પેરીસબર્ગ, ઓહાયો
મિતુલ પટેલ (40 વર્ષ): વુસ્ટર, મેસેચ્યુસેટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *