જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે બપોરે વાડીમાં કામ કરતા ખેતી મજુરના ઝુપડામાં કોઈ કારણે આગ ભભુકી ઉઠતા મજુર પરિવારના બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આ ઘટના આજે બપોરે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે સીમ વિસ્તારમાં બની હતી. અહીં ખેત મજુર પરિવાર માટે બનાવેલું ઝુપડુ અચાનક સળગી ઉઠ્યું હતું.
બઘાભાઈ પરમાર નામના ખેત મજુર તે સમયે ઝુપડામાં હાજર ન હતા અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર કુલદીપ તથા બે વર્ષની પુત્રી નેહા ઝુપડામાં હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધુ હતું. થોડીવારમાં ઝુપડુ બળીને રાખ થઈ ગયું હતું. આ ઘટનામાં માસુમ ભાઈ બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી બંને બાળકોને સારવાર માટે રાજુલા હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યા બંનેની હાલત નાજુક હોય તેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ઝુપડામાં આગ કઈ રીતે લાગી તે જાણવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.
