T20માં વિશ્ર્વ વિજેતા બનવાની સાથે ભારતે તોડ્યા 18 રેકોર્ડ

આવી સિધ્ધિ મેળવનાર ટીમ ઇન્ડિયા એકમાત્ર ટીમ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટી-20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું…

આવી સિધ્ધિ મેળવનાર ટીમ ઇન્ડિયા એકમાત્ર ટીમ

ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટી-20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીત સાથે ભારતે ટી-20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે ક્રિકેટ ઇતિહાસમાં 18 મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જે અત્યાર સુધી કોઈ અન્ય ટીમ બનાવી શકી નથી.

ટીમ ઈન્ડિયાએ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં પોતાનો પહેલો ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 2024નો ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ભારતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં 2026નો ટી-20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે.

ભારત હવે સૌથી વધુ મેન્સ વર્લ્ડ કપ ટ્રોફી (ફક્ત ઓડીઆઇ અને ટી-20 ફોર્મેટમાં) જીતનારના મામલામાં દુનિયાનો બીજો દેશ બન્યો છે. ભારતે વનડે અને ટી-20 ફોર્મેટમાં મળીને 5 મેન્સ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું કારનામું કર્યું છે. ભારતે આ સંદર્ભમાં વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ તોડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ચાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. દુનિયામાં સૌથી વધુ 7 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનો વર્લ્ડ રિકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે.

3 વર્ષમાં 3 ICC ટ્રોફી: ભારતે 2024 (ટી-20), 2025 (ચેમ્પિયન્સ ટ્રોફી) અને 2026 (ટી-20) જીતીને સતત પ્રભુત્વ જાળવ્યું.

3 ટી-20 વર્લ્ડ કપ ટાઇટલ: ભારત 2007, 2024 અને 2026માં ચેમ્પિયન બની 3 ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

100+ સિક્સરનો રેકોર્ડ: એક જ ટી-20 વર્લ્ડ કપ એડિશનમાં 106 સિક્સર ફટકારનારી ભારત દુનિયાની પ્રથમ ટીમ બની.

સૌથી વધુ 200+ સ્કોર: ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે સૌથી વધુ 7 વખત 200 રનથી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 255 રન બનાવી ટી-20 વર્લ્ડ કપ ફાઈનલનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો અને ભારતે ફાઈનલની પ્રથમ 6 ઓવરમાં 92 રન બનાવી વર્લ્ડ કપ ઇતિહાસના સૌથી મોટા પાવરપ્લે સ્કોરની બરાબરી કરી.

ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ભારતે વર્લ્ડ કપ ઇતિહાસની પોતાની સૌથી મોટી જીત મેળવી. સંજુ સેમસને ફાઈનલમાં 89 રન બનાવી વર્લ્ડ કપ ફાઈનલના ઇતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો.
ભારતે ફાઈનલ મેચમાં કુલ 18 સિક્સર ફટકારી જે કોઈપણ ટીમ દ્વારા ફાઈનલમાં સર્વોચ્ચ છે. ઉપરાંત ભારતે માત્ર 7.2 ઓવરમાં 100 રન પૂરા કરી નોકઆઉટ મેચોમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો.
જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 40 વિકેટ સાથે સૌથી સફળ ફાસ્ટ બોલર બન્યા. બુમરાહે ફાઈનલમાં 15 રન આપી 4 વિકેટ લીધી, જે ફાઈનલ ઇતિહાસનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

સંજુ સેમસને એક એડિશનમાં 321 રન બનાવી વિરાટ કોહલીના 319 રનનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો અને સંજુ એક જ વર્લ્ડ કપમાં સતત ત્રણ ફિફ્ટી (80+ સ્કોર) ફટકારનાર પ્રથમ ભારતીય બેટર બન્યો. સંજુએ આ ટૂર્નામેન્ટમાં કુલ 24 સિક્સર ફટકારી ફિન એલનનો (20) વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો. સાથે સાથે સંજુ અને અભિષેકે ફાઈનલમાં 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી જે ફાઈનલ માટે રેકોર્ડ છે.

અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી ભારત માટે ત્રીજી સૌથી ઝડપી ફિફ્ટી નોંધાવી. ખેલાડી અને કોચ તરીકે ગૌતમ ગંભીર પોતાની કારકિર્દીની તમામ મોટી ફાઈનલ જીતવામાં સફળ રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *