જામનગરના ગોકુલ નગરના કારખાનેદારનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

જામનગર ના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આર્થિક સંકળામણના…

જામનગર ના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક કારખાનેદારે આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આર્થિક સંકળામણના કારણે અને અમુક વ્યક્તિની પૈસાની ઉઘરાણી અને ધાક ધમકીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકે લખેલી બે પાનાની સુસાઇડ નોટ પોલીસે કબજે કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક મુરલીધર નગર શેરી નંબર -8 માં રહેતા અને બ્રાસપાટનું કારખાનું ધરાવતા ભાવિનભાઈ દેવકરણભાઈ સાંગાણી નામના 36 વર્ષના પટેલ કારખાનેદાર યુવાને ગઈકાલે મોડી સાંજે ખારા બેરાજા નજીક એક મંદિર તરફ જવાના કાચા રસ્તે ઝેરી દવા ના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે, જેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે ખારા બેરાજા ગામના સરપંચ ના ભાઈએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

મૃતક કારખાનેદારે ખાઈ લીધેલા ઝેરી દવા ના ટીકડા સ્થળ પરથી મળી આવ્યા હતા, જ્યારે તેની પાસેથી બે પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં ઢીંચડા ગામના એક શખ્સ સહિત ચારથી પાંચ વ્યક્તિના નામો નો ઉલ્લેખ કર્યો હતો, અને આર્થિક સંકળામણ અને માનસિક ત્રાસ હોવાના કારણે આખરે જિંદગીથી હારી થાકી જઇ આ પગલું ભરી રહ્યા હોવાનું ચિઠ્ઠી ના માધ્યમ થી જાણવા મળી રહ્યું છે.

પોલીસે સુસાઇડ નોટ કબજે કરી લઈ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે તેની પત્ની પુષ્પાબેન નું નિવેદન નોંધ્યુ છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં નવા ખુલાસાઓ થઈ શકે તેમ છે. મૃતક યુવાન બ્રાસ પાર્ટ નું કારખાનું ધરાવે છે, ઉપરાંત તેની જમીન પણ આવેલી છે, અને તાજેતરમાં એક ભરવાડ ની સાથે રહીને ભેંસો માટેનો તબેલો પણ બનાવ્યો હતો. જે તબેલા તરફ જવાના રસ્તામાં તેણે આત્મહત્યાનું પગલું કરી લીધું હતું. આ બનાવને લઈને પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઈ છે. મૃતક યુવાનનો 16 વર્ષ નો પુત્ર કે જે દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે, જેની તાજેતરમાં પરીક્ષા પણ શરૂૂ થવાની છે. જેથી બાળક પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *