ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આક્રમક તેવર બતાવી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ’આપ’ના ધારાસભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ (સીધું પ્રસારણ) કરવાની માંગ સાથે પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હાથમાં પોસ્ટરો લઈને ગૃહની અંદર આવ્યા હતા અને માંગણી કરી હતી કે જે રીતે સંસદ અને અન્ય રાજ્યોની વિધાનસભાનું લાઈવ કવરેજ થાય છે, તેવી જ રીતે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું પણ લાઈવ પ્રસારણ થવું જોઈએ. તેમનું કહેવું હતું કે જનતાને ખબર પડવી જોઈએ કે તેમના પ્રતિનિધિઓ ગૃહમાં કયા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષે આમ આદમી પાર્ટીના આ વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. અધ્યક્ષે ટકોર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર મીડિયામાં ચમકવા માટેનો એક ’સ્ટંટ’ છે અને આવી પદ્ધતિ લોકશાહીના મંદિર માટે યોગ્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ધારાસભ્યો આવા પોસ્ટરો લઈને આવ્યા છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અધ્યક્ષે તાત્કાલિક સાર્જન્ટને સૂચના આપી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પાસેથી તમામ પોસ્ટરો લઈ લેવામાં આવે. અધ્યક્ષની સૂચના બાદ સાર્જન્ટે ધારાસભ્યો પાસેથી પોસ્ટરો જપ્ત કર્યા હતા. આ ઘટનાને પગલે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં કાર્યવાહીનું લાઈવ પ્રસારણ ન થવાને લઈને વિપક્ષો દ્વારા અવારનવાર સવાલો ઉઠાવવામાં આવતા રહ્યા છે, પરંતુ આજનો આ પોસ્ટર સાથેનો વિરોધ ગૃહમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
