સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, જે ઉદ્દેશ્ય માટે ’રેરા’ બનાવવામાં આવી હતી એ ઉદ્દેશ તો પાર પડી જ નથી રહ્યો એ જોતાં રેરા’ ચાલુ રાખવી કે નહીં એ અંગે ફરી વિચાર કરવાની જરૂૂર છે. સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી હિમાચલ પ્રદેશ સરકારના નિર્ણયને લગતા કેસમાં કરી છે. હિમાચલ પ્રદેશ સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને રેરા ઓફિસને સિમલાથી ધર્મશાલા ખસેડી હતી. હાઈ કોર્ટે આ આદેશ પર સ્ટે આપતાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. સાથે સાથે ઘર ખરીદનારાં લોકોની સુવિધા માટે અપીલ ટ્રિબ્યુનલને પણ ધર્મશાલા ખસેડવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદા દ્વારા બનેલી સંસ્થાને બંધ કરી દેવાની વાત કરે ત્યારે મામલો ગંભીર જ હોય એ જોતાં સુપ્રીમ કોર્ટની ટીકા બહુ આકરી છે પણ સાવ સાચી છે. નરેન્દ્ર મોદી સરકારે 2016માં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) બનાવી ત્યારે મોટી મોટી વાતો કરેલી.
’રેરા’ બનતાં હવે બિલ્ડરોની મનમાની અને છેતરપિંડી નહીં ચાલે એવા દાવા કરાયા હતા. ’રેરા’ના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા આવશે, બિલ્ડરોની જવાબદારી નક્કી થશે અને ખરીદદારોના હિતોનું રક્ષણ થશે એવી વાતો કરાયેલી. ખરીદનારને તેનું ઘર યોગ્ય સમયે, નિર્ધારિત શરતો અનુસાર અને કોઈપણ છેતરપિંડી વિના મળે એવી સ્થિતિ ’રેરા’ના કારણે પેદા થશે એવા ફાંકા મરાયા હતા પણ આવું કશું થયું નથી. બિલ્ડરો હજુય સુપર બિલ્ટ અપના નામે લોકોને છેતરે છે અને લોકો પાસેથી નાણાં ઉઘરાવીને સમયસર પઝેશન નથી આપતા. આ પ્રકારની હજારો ફરિયાદો થાય છે પણ ’રેરા’ કશું કરતું નથી. બીજું બધુ તો છોડો પણ ’રેરા’ આવ્યા છતાં હજુય કારપેટ એરીયા ફરજિયાત બતાવવાના અને કારપેટ એરીયા એટલે કે મકાનમાં ગ્રાહકને વાપરવા મળે એટલા વિસ્તારને આધારે કિંમત નક્કી કરવાના સાદા નિયમનું પાલન પણ નથી થતું.
બિલ્ડરો આ વાતને ઘોળીને પી ગયા છે છતાં ’રેરા’ કંઈ કરતું નથી. તેનું કારણ એ કે, ’રેરા’નો ઉપયોગ લોકોનું ભલું કરવા માટે નથી કરાયો પણ બિલ્ડરો પર ધોંસ જમાવીને તેમને ખંખેરવા માટે કરાયો છે. સુપ્રીમ કોર્ટે એક બીજી મહત્ત્વની ટીપ્પણી કરી છે તેની પણ વાત કરવી જરૂૂરી છે. હિમાચલ પ્રદેશને લગતા કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણ કરાઈ હતી કે, ’રેરા’માં નથી. એક નિવૃત્ત આઈએએસ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે આ સાંભળીને કટાક્ષ કર્યો કે, ’રેરા’ દરેક રાજ્યમાં નિવૃત્ત અમલદારો માટે એક ’પુનર્વસન કેન્દ્ર’ બની ગયું છે અને આ ઓથોરિટીઝમાં ફક્ત આવા જ લોકો ભરેલા છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની ટીપ્પણી પહેલાં પણ કરી હતી. સપ્ટેમ્બર 2024માં ’રેરા’ને લગતા કેસમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચે પણ કહેલું કે, ’રેરા’ ભૂતપૂર્વ અમલદારોનો અડ્ડો બની ગયો છે અને આ અધિકારીઓએ ’રેરા’ની સંપૂર્ણ ભાવનાને નષ્ટ કરીને આ કાયદાને જ નિષ્ફળ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ’રેરા’ના સંદર્ભમાં આ વાત કરી છે પણ ભારતમાં મોટા ભાગની સરકારી સંસ્થાઓમાં આ હાલત છે. આ સંસ્થાઓ અસરકારક રીતે કામ કરી શકે એ માટે તેજતર્રાર ને તેજીલા તોખાર જેવા અધિકારીઓને નિમવાના હોય તેના બદલે નિવૃત્ત થઈ ગયેલાં ખાઈબદેલાં ડોહાંડગરાંને મૂકી દેવાય છે. જેમને વખારમાં નાખવાના હોય તેમને સરકારી સંસ્થાઓમાં બેસાડી દેવાય છે તેમાં સારા ઉદેશથી બનાવાયેલી ભલભલી સરકારી સંસ્થાઓ વખાર જેવી થઈ ગઈ છે.
આખી જીંદગી સત્તામાં બેઠેલા લોકોની ચાપલૂસી અને વગદારોની દલાલી કરી ખાનારા અધિકારીઓ માટે આ નિમણૂકો ટાઈમપાસ હોય છે. સરકારી ગાડીમાં ફરી શકાય ને સરકારી પૈસે બાકીની જિંદગી જીવી શકાય એટલે અધિકારીઓ દ્વારા પોતાના માઈ-બાપ જેવા રાજકારણીઓના પગ પકડીને કરાવી આ નિમણૂકોના કારણે નથી દેશનું ભલું થતું કે નથી લોકોનું ભલું થતું.
સુપ્રીમ કોર્ટે ટકોર કરી તેના કારણે આ મુદ્દા તરફ ધ્યાન ખેંચાયું ખરું પણ તેના કારણે સ્થિતિ બદલાવાની નથી કેમ કે રાજકારણીઓ ને અધિકારીઓ બંને સુધરવાના નથી. આઘાતજનક વાત એ છે કે, છેલ્લાં કેટલાંક વરસોથી માત્ર આવી સંસ્થાઓમાં જ નહીં પણ મહત્વના સરકારી હોદાઓ પર પણ આ રીતે નિવૃત્ત અધિકારીઓને ગોઠવી દેવાના ખેલ ચાલે છે.
