જામનગર આરટીઓ કચેરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ-આઈ) આધારિત આધુનિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલમાં લાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ટ્રેકના સિવિલ વર્ક સાથે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પૂર્ણ થતાં હાલ ટ્રાયલ રનની કામગીરી ચાલી રહી છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ નિયમિત કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે.
ટ્રેક પર લેવાતી પરીક્ષા પારદર્શી બને અને ગેરરીતિ અટકે તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની આર.ટી.ઓ કચેરીમાં એ.આઈ આધારિત ડ્રાઈવિંગ લાયસન્સ ટ્રેક પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત જામનગરની આર.ટી.ઓ કચેરીમાં પણ એ.આઈ આધારિત પરીક્ષાનું માળખું ઉભું કર્યા બાદ હાલ ટ્રાયલ રન લેવામાં આવી રહ્યા છે. આ અંગે જામનગર આર.ટી.ઓ. અમર વ્યાસે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ નવી સિસ્ટમ અંતર્ગત 360 ડિગ્રી એ.આઈ. બેઝ્ડ કેમેરા રોડ માર્કિંગ અને વાહનની ગતિ-દિશાને ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરશે. હાઈ-રિઝોલ્યુશન કેમેરા અરજદારની દરેક ડ્રાઈવિંગ મૂવમેન્ટ રેકોર્ડ કરશે જેથી માનવીય હસ્તક્ષેપ ઘટશે, અને પારદર્શિતા વધશે.
હાલ ટ્રાયલ રન દરમિયાન ઉભી થતી ટેકનિકલ ક્ષતિઓનું તબક્કાવાર સમીક્ષા કરી તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ નવા ટ્રેકમાં રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ અને સ્લોપ ચઢાણ ઉપરાંત ટ્રાફિક સિગ્નલનો પણ સમાવેશ કરવામાં આવતાં અરજદારોને વાસ્તવિક ટ્રાફિક જેવી પરિસ્થિતિમાં પરીક્ષણ આપવાની તક મળશે.
