મોરબીમાં ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનું શંકાસ્પદ મોત : અકસ્માત કે અન્ય ?

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. પ્રથમ અકસ્માત થયાનું જણાવ્યા બાદ સાથીકર્મચારીએ…

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્યું હતું. પ્રથમ અકસ્માત થયાનું જણાવ્યા બાદ સાથીકર્મચારીએ મૃતક કારખાનામાં ઉપરથી પડી ગયાનું અને માલિકે અકસ્માતનું નિવેદન આપવા જણાવ્યાની કબુલાત આપતા હકીકતે મૃતક સાથે શું ઘટના બની તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું હોય પોલીસે પીએમ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં ભવાની નગરમાં રહેતો વિક્રમ પરસોત્તમભાઈ પાટડિયા ઉ.વ. 36 નામનો યુવાન ગત તા. 11 ના રોજ રાત્રીના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોય જેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મોરબી બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટો અને કારખાનામાં વેલ્ડીંગ કામની મજુરી કરતો હતો. તેને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો ત્યારે અકસ્માત થયાનું તેની સાથે રહેલા કર્મચારીઓએ જણાવ્યું હતું. જો કે, પરિવારજનોને મૃતક સાથે અકસ્માત થયો કે કંઈ અન્ય કારણ તે અંગે શંકા ઉપજતા લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે કોળી સમાજના આગેવાન મનસુખભાઈએ જણાવ્યું હતું કે, તેના સાથી કર્મચારીઓએ પહેલા અકસ્માત થયાનું જણાવ્યા બાદ ગઈકાલે પોલીસ મથકે બોલાવવામાં આવતા મૃતક કારખાનામાં ઉપરથી પડી ગયાનું અને માલિકે અકસ્માત થયાનું નિવેદન આપવા જણાવ્યું હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *