299માંથી 200થી વધુ બેઠકો તરફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આગેકૂચ : બે દાયકા પછી સત્તામાં પાછી આવવા તૈયાર
લાંબા સંઘર્ષ પછી પડોશી દેશમાં નવા યુગનો આરંભ
11 પક્ષોના મોહમ્મદ યુનુસના ગઠબંધનને મરણતોલ પછડાટ
છેલ્લા લાંબા સમયથી એશિયાના પીડિત અને અરાજકતા ભર્યા હાલક ડોલક બાંગ્લાદેશની વગચાળાની સરકારના નેતૃત્વમાં યોજાયેલી સંસદીય ચૂંટણીના પરિણામોની ગણતરી આજે વહેલી સવારથી શરૂ થતાં બપોર સુધીમાં બીએનપી પક્ષ નિર્ણાયક બે તૃતીયાંશ બહુમતી તરફ આગળ ધપતા એના નેતા તારિક એહમદ માટે દેશના નવા વડાપ્રધાન થવાનો રાજમાર્ગ ખુલ્લો થઈ ગયો હતો. જેના પ્રત્યાઘાતમાં બાંગ્લાદેશમાં બીએનપીના કાર્યકરોએ ઠેર ઠેર વિજય સરઘસ કાઢી ઉલ્લાસ વ્યકત કર્યો હતો.
વચગાળાની મોહમ્મદ યુનુસની સરકારે કડક બંદોબસ્ત વચ્ચે સામાન્ય ચૂંટણી યોજી હોવા છતાં અનેક લોહીયાળ ઘટનાઓ અને બુથ પરના વિસ્ફોટક હુમલાઓના અંતરાય છતાં સરેરાશ પચાસ ટકા મતદાનથી આ પરિણામો પ્રગટ થઈ રહ્યાં છે, મતગણતરી ચાલુ થઈ ગઈ હોવા છતાં હજુ મતદાનની છેવટની ટકાવારી સરકારે જાહેર કરી નથી.
ઉલ્ટ પરિણામો પર ટીકા કરતાં ભારત આશ્રિત અને બાંગ્લાદેશના પદભ્રષ્ટિત વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે આ નકલી ચુંટણી છે અને ગેરકાનૂની વચગાળાની નકલી સરકાર દ્વારા યોજાઈ હોવાથી પરિણામો પણ નકલી છે.
બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને બહુમતી મળી ગઈ છે. પાર્ટીએ 299 બેઠકોમાંથી 165 બેઠકો પર જીત મેળવી લીધી છે. પૂર્વ ઙખ ખાલિદા ઝિયાના પુત્ર અને BNP અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને પર તેમની જીત થઈ છે.
રહેમાન ગયા વર્ષે ડિસેમ્બરમાં જ 17 વર્ષ પછી દેશ પરત ફર્યા હતા. બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધી માત્ર 45 બેઠકો મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-15 બેઠક પરથી જીત મેળવી છે. 3 બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્યાર સુધી 206 બેઠકોના પરિણામો સામે આવ્યા છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધી 48% મતદાન થયું હતું.
ઓગસ્ટ 2024 માં, વિદ્યાર્થી આંદોલનને કારણે શેખ હસીનાની સરકાર પડી ભાંગી. ત્યારબાદ, નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને દેશની જવાબદારી સોંપવામાં આવી. તેમની દેખરેખ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. લોકોએ રાષ્ટ્રીય સંસદ તેમજ બંધારણમાં પ્રસ્તાવિત ફેરફારો માટે ચાર્ટર માટે મતદાન કર્યું.
ભારત પ્રગતિશીલ બાંગ્લાદેશ સાથે સદાય ઉભું છે : મોદી
બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના જંગી વિજય બાદ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પર શેર કરેલા પોતાના સંદેશમાં, પીએમ મોદીએ આ જીતને બાંગ્લાદેશના લોકોના તેમના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસનો પુરાવો ગણાવ્યો. હું તારિક રહેમાનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું એમ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન મોદીએ લખ્યું, “સંસદીય ચૂંટણીઓમાં BNP ને નિર્ણાયક વિજય તરફ દોરી જવા બદલ હું તારિક રહેમાનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ જીત બાંગ્લાદેશી લોકોના તમારા નેતૃત્વમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત લોકશાહી, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશના સમર્થનમાં ઉભું રહેશે.
