અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામતમાં પણ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની જેમ ક્રિમીલેયરને બાકાત રાખવા જોઈએ કે નહીં એ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ સંદર્ભમાં શું પગલાં લેવાયાં એ અંગેનો રિપોર્ટ માંગતાં આ મુદ્દો ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે 2024માં આપેલા ચુકાદામાં એસસી અને એસટી અનામતમાં પણ ક્રિમી લેયરની તરફેણ કરેલી. મતલબ કે, દલિત અને આદિવાસીઓમાં અનામતની મલાઈ ખાઈને તગડા થયેલા વર્ગને અનામતનો લાભલેવામાંથી બાકાત કરીને ખરેખર જેમને જરૂૂર હોય એવાં લોકોને જ અનામતનો લાભ આપવા પર ભાર મૂકેલો. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામત અંગે 1 ઑગસ્ટ, 2024ના રોજ ઐતિહાસિક ચુકાદો આપેલો કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં પણ સરકાર અલગ અલગ સમુદાયોનું વર્ગીકરણ કરી શકે છે અને તેમના માટે નક્કી કરાયેલી અનામતની મર્યાદામાં અલગ અલગ સમુદાયોને કરી શકે છે.
ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ભલામણ પણ કરી હતી કે એસસી-એસટી માટેની અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ હોવી જોઈએ પણ આ ક્રિમી લેયર માટેનાં ધારાધોરણ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટેની ક્રિમી લેયરની જોગવાઈથી અલગ હોવાં જોઈએ. ભારતમાં અનામતમાં ક્રિમી લેયરનો ક્ધસેપ્ટ પહેલાં હતો જ નહીં પણ વી.પી. સિંહની સરકારે ઓબીસી મતબેંક કબજે કરવા માટે મંડલ પંચની ભલામણોનો અમલ કરવાનું નક્કી કર્યું ત્યારે ભડકો થઈ ગયેલો. અનામતનું પ્રમાણ વધારવા સામે સવર્ણો મેદાનમાં આવી ગયેલા અને ઘણા વિદ્યાર્થીઓએ તો આત્મવિલોપનનું આત્યંતિક પગલું ભરીને વિરોધ કરેલો.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચેલો. ઇન્દ્રા સાહનીએ ઓબીસી અનામતનો વિરોધ કરતાં ત્રણ દલીલો કરેલી. પહેલી દલીલ એ હતી કે, અનામતનું પ્રમાણ વધારવાથી તકની સમાનતાની બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન થયું છે તેથી ઓબીસી અનામતને ગેરબંધારણીય જાહેર કરીને ફગાવી દેવી જોઈએ. બીજી દલીલ એ હતી કે, જ્ઞાતિના આધારે કોઈનું પછાતપણું નક્કી ના કરી શકાય તેથી ચોક્કસ જ્ઞાતિને ઓબીસી અનામતનો લાભ આપવો બંધારણનો ભંગ છે.
ત્રીજી દલીલ એ હતી કે, અનામત વધારવાથી જાહેર સંસ્થાઓની કાર્યક્ષમતા જોખમમાં મુકાઈ જશે.સુપ્રીમ કોર્ટે આ દલીલોને માન્ય નહોતી રાખી અને 6 નવેમ્બર, 1992ના રોજ ઈન્દ્રા સાહની કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો કે, અનામતનું પ્રમાણ 50 ટકાથી ના વધવું જોઈએ તેથી ઓબીસી અનામત ગેરબંધારણીય નથી. સુપ્રીમ કોર્ટે વધારાની 27 ટકા અનામતને તો માન્યતા આપી પણ સાથે સાથે ક્રિમી લેયરનો અમલ કરવા પણ કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓબીસીમાં ઉચ્ચ વર્ગના લોકોને અનામતનો લાભ ના મળવો જોઈએ અને જરૂૂરિયાતમંદ લોકોને જ લાભ મળવો જોઈએ.
આ માટે અલગ અલગ માપદંડ નક્કી કરાયા ને તેમાં એક માપદંડ પરિવારની વાર્ષિક આવક પણ છે. સમય જતાં આ મર્યાદા બદલાઈ છે અને અત્યારે રૂૂપિયા આઠ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને ક્રિમીલેયર ગણીને અનામતનો લાભ નથી મળતો.
અનામતનો ઉદ્દેશ સદીઓથી કચડાયેલા ને તેના કારણે વિકાસથી વંચિત રહેલા દલિત અને આદિવાસી સમાજને બીજી જ્ઞાતિઓની સમકક્ષ લાવવાનો છે. સામાજિક અસમાનતાના કારણે જેની પાસે સગવડો અને સમૃદ્ધિ છે એ લોકો જ બધો લાભ ના લઈ જાય એટલા માટે અનામતની જોગવાઈ કરાઈ. આ જોગવાઈનો લાભ લઈને જે લોકો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ આવ્યા તેમનાં સંતાનોને ખરેખર અનામતનો અધિકાર નથી. તેમનાં સંતાનોને તો એ બધી સગવડો મળે જ છે કે જે ઉચ્ચ વર્ગનાં લોકોને મળે છે પછી તેમને અનામતની શું જરૂૂર ? આ સંજોગોમાં તેમને ક્રિમી લેયર કેટેગરીમાં મૂકીને જે ખરેખર હજુ વિકાસથી વંચિત છે એ લોકોને જ અનામતનો લાભઆપવો એ વાત ન્યાયી પણ છે અને તર્કસંગત પણ છે. અનામતનો સાચો ઉદ્દેશ વંચિતોને તક આપવાનો છે પણ હાલની જોગવાઈમાં એ ઉદ્દેશ પાર નથી પડતો એ જોતાં એસસી-એસટી અનામતમાં ક્રિમી લેયર જરૂૂરી છે જ.
