ડો.તરૂણા જિયાણી ગર્ભ સંસ્કારના જ્ઞાન દ્વારા શ્રેષ્ઠ બાળક અને શ્રેષ્ઠ સમાજની રચનામાં આપે છે પોતાનું યોગદાન
1000થી વધુ માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા શ્રેષ્ઠ બાળકની ભેટ આપી છે ડો.તરૂણા જિયાણીએ
“જો શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય તો આપણે શ્રેષ્ઠ સમાજની રચના કરી શકીશું. માતા ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેસ ફ્રી અને ખુશ રહેશે તો તેની સકારાત્મક અસર બાળક પર પણ ચોક્કસ થશે.માતા-પિતાની પાત્રતા મુજબ બાળકનું અવતરણ થાય છે આમ છતાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાનું બાળક સર્વ શ્રેષ્ઠ જન્મે.પોતાની ઈચ્છા મુજબના બાળક માટે ગર્ભ ધારણ કરતા પહેલા ગર્ભ સંસ્કાર વિશે જાણવું ખૂબ જરૂૂરી છે.” આ શબ્દો છે સુરતના ડીવાઇન ગર્ભ સંસ્કાર કેન્દ્રના ડો.તરૂણા જિયાણીના.
મૂળ સુરતના તરૂણાબેનનો ઉછેર અને અભ્યાસ સુરતમાં થયો. બીસીએના અભ્યાસ દરમિયાન લગ્ન થયા. લગ્ન પછી એમસીએ કર્યું. કોરોના સમયે ડોક્ટરની ડિગ્રી પણ મેળવી. સારી કંપનીમાં સારા પેકેજ સાથે નોકરી મળતી હતી પરંતુ તેઓને મશીન નહીં પણ માણસ સાથે કામ કરવું હતું એટલે નોકરી છોડી દીધી. જ્યારે ફર્સ્ટ ચાઈલ્ડ થવાનું હતું ત્યારે આ બાળક શ્રેષ્ઠ જન્મે તે માટે તેઓએ અનેક રિસર્ચ કર્યા હતા. ગર્ભ સંસ્કાર વિશે ખૂબ માહિતી એકઠી કરી હતી તેમજ અનેક પ્રયોગો કર્યા હતા.પોતાના પ્રથમ બાળકમાં ગર્ભ સંસ્કારના કારણે તેઓએ બહુ મોટો બદલાવ જોયો હતો અને એટલે જ પોતાના અનુભવ પરથી અન્ય મહિલાઓને પણ તેઓ માર્ગદર્શન આપવાનું શરૂૂ કર્યું અને આમ ડીવાઇન ગર્ભ સંસ્કાર કેન્દ્રના બીજ રોપાયા.
પોતાની આ યાત્રા બાબત તરૂણાબેન જણાવે છે કે જ્યારે મેં આ ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું ત્યારે ગર્ભ સંસ્કાર વિશે લોકોમાં જાગૃતતા નહોતી તેથી તેમને સમજાવવું મુશ્કેલ બનતું.શરૂૂઆતમાં સગા-સંબંધી,સખીઓને માર્ગદર્શન આપ્યા બાદ સકારાત્મક પરિણામ મળતાં આત્મવિશ્વાસ આવ્યો અને વ્યવસ્થિત કોર્સ બનાવ્યો.જે માતાએ માર્ગદર્શન લીધું હતું તેઓએ જ નવી બ્રાન્ચ ખોલવા રસ બતાવ્યો અને આજે સમગ્ર ગુજરાતમાં 15 જેટલી બ્રાન્ચ દ્વારા ગર્ભ સંસ્કાર વિશે માર્ગદર્શન આપીએ છીએ.
ડીવાઇન ગર્ભ સંસ્કાર કેન્દ્રથી સારા બાળકનો જન્મ તો થાય જ છે ઉપરાંત આ કેન્દ્ર ચલાવતી બહેનો પગભર પણ થાય છે.મુખ્ય બ્રાન્ચ પરથી બધી જ બ્રાન્ચ મેનેજ થાય છે અને દરેક બ્રાન્ચમાં એક સરખી એક્ટિવિટી અને સેશન હોય છે.બધી બ્રાન્ચની ખાસિયત એ છે કે દરેક બ્રાન્ચ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે.ગર્ભ સંસ્કાર પ્રેગ્નેન્ટ મહિલા અને પ્રી-પ્લાનિંગવાળા કપલ બંનેને મદદરૂૂપ થાય છે.તરૂણાબેન આ કાર્ય સાથે સેવાકીય કાર્યો પણ કરે છે.પોતાની આ સફળ યાત્રા માટે તેઓ પરિવારના સહયોગનેે ખૂબ મહત્વનો ગણાવે છે.તેઓના પરિવારમાં બંને પતિ-પત્ની અને બે બાળકો,સાસુ,દિયર, દેરાણી તેમના બે બાળકો છે પણ દરેકનો ખૂબ પ્રેમ અને પ્રોત્સાહન મળે છે.તેમનું સ્વપ્ન ભારત વર્ષમાં ગર્ભ વિજ્ઞાનને પ્રચલિત બનાવવાનું અને આ ક્ષેત્રમાં ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ગર્ભ સંસ્કારના એક નહીં અનેક છે ફાયદા
ગર્ભ સંસ્કારના ફાયદા બાબત તેઓએ જણાવ્યું કે હોર્મોનલ ચેન્જીસના કારણે જે સમસ્યા થાય છે તે ગર્ભ સંસ્કારના કારણે અટકી જાય છે જેથી માતા આનંદમાં રહે છે અને તેની સારી અસર બાળક પર થાય છે.ગર્ભ સંસ્કાર અપનાવતી માતા નોર્મલ ડિલિવરી કરવાના પ્રયત્નો કરે છે. કપલ સેમિનારમાં અમુક સેશન પતિ સાથે લેવાના હોય છે તેથી પતિ-પત્નીના સંબંધો સુંદર બને છે. સાસુ સભામાં સાસુને પણ સકારાત્મક સમજ આપવામાં આવે છે જેથી સાસુ-વહુના સંબંધો મજબૂત બને છે અને ઘરના વાતાવરણમાં પણ ફેરફાર થાય છે.નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાથી બાળકના જન્મ બાદ પરિવારમાં પણ સુમેળભર્યું વાતાવરણ સર્જાય છે.
શ્રેષ્ઠ બાળક માટે આ છે ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ
ગર્ભ સંસ્કારના આ કોર્સ બાબત તેઓએ જણાવ્યું કે ગર્ભ સંસ્કાર માટે વીકમાં એક વખત ક્લાસમાં જવાનું હોય છે અને એક વખત પ્રેગ્નેન્ટ ક્લબની એક્ટિવિટી હોય છે. અઠવાડિયા દરમિયાન અમુક બુક્સ વાંચવા માટે આપવામાં આવે છે તેમજ પેન ડ્રાઈવમાં માતાને આનંદમાં રાખતું મ્યુઝિક પણ આપવામાં આવે છે. માતાને આખા મહિનાના ફૂડ ચાર્ટ સાથે ઘરે રહીને કરવાની એક્ટિવિટી વિશે પણ માહિતી અપાય છે અને 15 દિવસે એક વખત પ્રેગ્નન્સી ક્લબમાં મ્યુઝિક, ચેસ જેવી ઈતર પ્રવૃત્તિ શીખવવામાં આવે છે જે બાળકના લોજિકલ બ્રેન માટે ખૂબ મહત્વની છે.
