ભોજન-સફાઇ-પાણી-લિફટના ધાંધિયાથી વિદ્યાર્થીઓનો આક્રોશ ફુટયો
રાજકોટમાં બની ત્યારથી વિવાદોમાં રહેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ વધુ એક વખત વિવાદમાં આવી છે અને સફાઇ-ભોજન સહીતની અસુવિધાના વિરોધમાં મોડીરાત્રે વિદ્યાર્થીનીઓએ મોરચો ખોલતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
નવીજ બનેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન, સફાઇ, લિફટ સહીતની પાયાની સુવિધાઓ અંગે સતત ફરીયાદો રહે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી વિદ્યાર્થીનીઓનો આક્રોશ ફાટયો હતો.અગાઉ બોયઝ હોસ્ટેલમાં ખરાબ ભોજન અને સફાઈનો અભાવ સહિતની સમસ્યાઓ હતી, ત્યારે હવે ગર્લ્સ હોસ્ટેલમાં આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે. જેને લઈને બુધવારે રાત્રે ABVPના કાર્યકર્તાઓ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આ તકે વિદ્યાર્થિનીઓએ ’હમ ભારત કી નારી હૈ, ફૂલ નહીં ચિનગારી હૈ’ના નારા લગાવ્યા હતા.
ABVPના રાજકોટ મહાનગર સહમંત્રી ઓમ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 1000 જેટલી દીકરીઓ છે. આ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ભોજન અને રહેઠાણની સુવિધા આપવામાં આવે છે. જોકે આ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત અને સફાઈનો અભાવ જોવા મળે છે. આ સાથે જ અહીં લિફ્ટ બંધ હોવાનો આક્ષેપ છે તો સાથે જ પીવાનું પાણી પણ ખરાબ આવતું હોવાની ફરિયાદ છે.
વિદ્યાર્થિનીઓએ પોતાની ફરિયાદ રેકટરને કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા બુધવારે રાત્રે ABVPના કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા હોસ્ટેલ ખાતે વિદ્યાર્થિનીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ ધરણા પર બેસી ગઈ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
