હવે બેન્કોએ ડિફોલ્ટના એક મહિનાની અંદર ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટ (આઈસીએ) તૈયાર કરવું પડશે, કંપનીને લોન આપનારાઓના જૂથમાં જે બેન્કોની બાકી રહેતી રકમ કુલ રકમના 75 ટકા જેટલી હોય તે અથવા 60 ટકાની સંખ્યામાં ધિરાણકર્તાઓએ આઈસીએ સ્વીકારવું જોઈશે
બેન્કોના પાછા ન ફરતા ધિરાણની સમસ્યાના ઉકેલ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અગાઉના પરિપત્રની સામે બેન્કોની મુખ્ય ફરિયાદ એ હતી કે વ્યાજ કે મુદ્દલની ચુકવણીમાં કંપની એક દિવસનો પણ ડિફોલ્ટ કરે તો એને નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કરવાની જોગવાઈ વધુ પડતી સખત અને અવ્યવહારુ હતી. સર્વોચ્ચ અદાલતે આ પરિપત્રને ગેરકાયદે ઠરાવ્યો એ પછી ગયા રિઝર્વ બેન્કે જે નવો પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં બેન્કોની આ ફરિયાદની નોંધ લઈ એક દિવસને બદલે તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે બેન્કો આ મામલામાં ઝડપથી આગળ વધે એવી આશા અસ્થાને નથી. બેન્કો જો સમસ્યાના ઉકેલમાં ગલ્લાંતલ્લાં કરે કે ડૂબમાં જતી લોનને એનપીએ તરીકે જાહેર ન કરવા માટે કંપનીઓને વધારાની નવી લોન આપે તો રિઝર્વ બેન્કે લાઠી પણ ઉગામી છે.
આવા કિસ્સાઓમાં બેન્કોએ વધુ જોગવાઈ કરવી પડશે. એટલું જ નહિ, તેમને દંડની જોગવાઈ પણ નવા પરિપત્રમાં છે. બેન્કોનાં નાણાં પરત મેળવવાના આ પ્રયત્નોમાં બેન્કોએ જે યોજના બનાવવાની છે-રિઝોલ્યુશન પ્લાન-તે જો ડિફોલ્ટના 180 દિવસમાં અમલમાં ન આવે તો બેન્કોએ જોગવાઇમાં 20 ટકાનો વધારો કરવો પડશે અને જો 365 દિવસ પછી પણ એવી જ પરિસ્થિતિ રહે તો વધારાના 15 ટકાની જોગવાઈ કરવી પડશે. બેન્કો પાસે મૂડીની અછત છે અને જાહેર ક્ષેત્રની બેન્કોને સરકારે નવી મૂડી ગયા નાણાંકીય વર્ષના અંત ભાગમાં આપી એ પછી પણ પરિસ્થિતિ બહુ સુધરી નથી. આમ રિઝર્વ બેન્કે બેન્કોને શંકાસ્પદ લોન વસૂલી માટેની શરતો હળવી કરી આપી બેન્કોની દુખતી નસ પકડી લીધી છે અને તેના ઉપયોગથી બેન્કોને સમસ્યાના ઉકેલ માટે સક્રિય થવાની ફરજ પાડી છે.
બેન્કોના માથે આ લટકતી તલવાર રાખીને રિઝર્વ બેન્કે તેમને ઝડપ દેખાડવાની ચિમકી આપી છે કેમ કે આ પ્રકારની જોગવાઈ કરવાનો વારો આવે તો નવી મૂડી પણ ધોવાઈ જવામાં ખતરો બેન્કોની સામે છે. નવા પરિપત્રની જોગવાઈઓ જોઈએ તો જણાય છે કે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, સ્મોલ ફાઇનાન્સ બેન્કો, નાબાર્ડ, એક્ઝિમ બેન્ક વગેરેને પણ હવે પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. આ એક વ્યવહારુ વાત છે કારણ કે એનપીએ ફક્ત બેન્કોની સમસ્યા નથી. હવે બેન્કોએ ડિફોલ્ટના એક મહિનાની અંદર ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટ (આઈસીએ) તૈયાર કરવું પડશે. કંપનીને લોન આપનારાઓના જૂથમાં જે બેન્કોની બાકી રહેતી રકમ કુલ રકમના 75 ટકા જેટલી હોય તે અથવા 60 ટકાની સંખ્યામાં ધિરાણકર્તાઓએ આઈસીએ સ્વીકારવું જોઈશે. તો જ આ કરાર કાનૂની ગણાશે.
આ જોગવાઈને કારણે હવે બેન્કોએ અત્યંત સક્રિય બનીને કામ કરવું પડશે. સમયનું આ માળખું કદાચ વધુપડતું સખત લાગે, કારણ કે આપણા બેન્કરો આટલી ત્વરાએ કામ કરવા ટેવાયેલા નથી, પણ સંજોગોનો આ તકાદો છે અને માંદગી જેટલી ગંભીર, એટલી જ જલદ દવા પણ હોવી જોઈએ. જોકે, નવા પરિપત્રમાં એક અસ્પષ્ટતા પણ જોઈ શકાય છે જે બેન્કોને હેરાન કરી રહી છે. અત્યારે રૂૂા. 2000 કરોડ કે તેથી વધુનો ડિફોલ્ટ કરનારી કંપનીઓને આ નિયમો લાગુ પડશે, પણ રિઝર્વ બેન્કે કહ્યું છે કે રૂૂા. 1500 કરોડથી રૂૂા. 2000 કરોડના ડિફોલ્ટવાળી કંપનીઓને પણ એ લાગુ પાડવામાં આવશે. આમ તો આ વાત તર્કબદ્ધ લાગે છે પણ કેટલાક બેન્કરોએ કહ્યું છે કે જે કંપનીઓ અત્યારે આ બીજા વર્ગમાં આવે છે તેમના વિષે બેન્કોએ શું કરવાનું એ સ્પષ્ટ નથી.
12 ફેબ્રુઆરીના પરિપત્ર પછી બેન્કિંગ જગતમાં સક્રિયતા અને કોર્પોરેટ ક્ષેત્રમાં ખળભળાટ જોઈ શકાતા હતા. કેટલીક કંપનીઓ નાદારીના દરવાજે આવી ગઈ હોવાના ભણકારા પણ વાગતા હતા. એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે રિઝર્વ બેન્કના પરિપત્રને રદબાતલ કર્યો એ પછી સમસ્યાના ઉકેલના પ્રયત્નો શિથિલ બની ગયાનો ભાસ થતો હતો. લાગે છે કે હવે ફરીથી તેમાં સક્રિયતા આવશે. રિઝર્વ બેન્કે 12 ડિસેમ્બરના પરિપત્રના આત્માને અકબંધ રાખ્યો છે અને જ્યાં જરૂૂરજણાય ત્યાં થોડા ફેરફાર કર્યા છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેક્રપ્સી કોડ તો સમસ્યાનો આખરી ઉકેલ જ હોય એ પ્રકારનું વાતાવરણ નવા પરિપત્રથી જરૂૂર ઊભું થશે.
નવા સર્ક્યુલરમાં રિઝર્વ બેન્કે એક અગત્યની વાત કહી છે. જે કંપનીઓ તકલીફને આંગણે આવીને ઊભી હોય એ રાતોરાત ડિફોલ્ટ કરે એવું ભાગ્યે જ બને, સિવાય કે પ્રમોટરની મથરાવટી જ મેલી હોય. આ તકલીફ વધુ ગંભીર બને એ પછી એવો તબક્કો આવે જ્યારે કંપની ડિફોલ્ટ કરે. એટલે ડિફોલ્ટ તો તકલીફનો વિલંબથી મળતો સંકેત છે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ જાય એવું બને. એટલે ડિફોલ્ટ થાય એ પહેલાં જ સમસ્યાને હલ કરવી સલાહભરેલું છે, એમ રિઝર્વ બેન્કે કહ્યું છે. આ સલાહ વાજબી છે અને બેન્કો એનો અમલ કરે તો બંને બાજુ ઘણી તકલીફો નિવારી શકાય. પણ એ માટે બેન્કોએ કંપનીઓ પર સતત નજર રાખવી પડે અને બારીકાઈથી તેમનું અવલોકન કર્યા કરવું પડે.
