જૂનાગઢ ફરિયાદ-સંકલનની બેઠકમાં ઈટાલિયાની સટાસટી

કોન્ટ્રાકટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ નોટિસ-નોટિસની રમત રમે છે જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસાવદરના…

કોન્ટ્રાકટરો સરકારના બોસ બની ગયા છે, અધિકારીઓ નોટિસ-નોટિસની રમત રમે છે

જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પ્રજાના પડતર પ્રશ્નો મામલે તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ માત્ર ’નોટિસ-નોટિસ’ની રમત રમે છે અને વાસ્તવમાં કોન્ટ્રાક્ટરો સરકાર અને અધિકારીઓના પણ ’બોસ’ બની બેઠા છે.

ઈટાલિયાએ જણાવ્યું કે, મોટી મોણપરી, છેલ્લાણકા, જામકા અને કર્યા ગામમાં વર્ષોથી જર્જરિત થયેલી પાણીની ટાંકીઓ તોડવા માટે તેઓ જુલાઈ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ માત્ર એક બીજાને પત્ર લખીને જવાબદારી માંથી છટકી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, પૂર્વ કેબિનેટ મંત્રીના ગામ કાલાવડમાં છેલ્લા 6 વર્ષથી ગ્રામ પંચાયત ભવનનું કામ ચાલે છે, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. કોન્ટ્રાક્ટરોની મનમાની સામે વહીવટી તંત્ર લાચાર દેખાઈ રહ્યું છે.

બેઠકમાં ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ગાજ્યો હતો. ઈટાલિયાએ રજૂઆત કરી હતી કે, જે ખેડૂતોના 7/12માં ખોટી રીતે બોજો પાડવામાં આવ્યો છે તેમને તાત્કાલિક ગઘઈ આપવામાં આવે અને જેમની ડિપોઝિટ ફસાયેલી છે તેમને નાણાં પરત મળે.

ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો કે, જૂનાગઢમાં એક ખાનગી કંપનીના સંમેલન માટે ખોટા કોટેશન બનાવી, એક જ સ્થળે 4થી વધુ કનેક્શન આપી સરકારને ₹50 લાખનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ભેસાણના ગોરવયારી ગામે લીઝોમાં થતા બ્લાસ્ટિંગને કારણે ગ્રામજનોના ઘરોમાં તિરાડો પડી છે અને ધૂળને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ભેસાણ અને વિસાવદર પંથકમાં લોકોને સમયસર સરકારી અનાજ મળતું નથી.ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્યો અને સાંસદો પણ ગ્રામ પંચાયત કક્ષાના કામો કરાવી શકતા નથી. પાંચ ધારાસભ્યોએ આ બાબતે લેખિત રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ કરી તેમણે સિસ્ટમની નિષ્ફળતા પર પ્રહારો કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *