મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેન સામે સરન્ડર કર્યું હતું જે મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં યુવાન વતી કેસ લડતા વકીલ દીપા જોસેફે યુક્રેન જઈને યુવાનની મુલાકાત લીધી હતી અને યુવાનના મહિલા વકીલે વિડીયો જાહેર કરી માહિતી પૂરી પાડી છે.
મોરબીના સાહિલ માજોઠી વતી દિલ્હી હાઈકોર્ટમાં કેસ લડી રહેલા દીપા જોસેફે વિડીયો સંદેશ મારફત માહિતી આપતા જણાવ્યું છે કે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024 માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો ત્યાં તે પાર્ટ ટાઈમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો દરમિયાન તેને આપવામાં આવેલ પાર્સલની અંદર ડ્રગ્સ છે તેવું કહીને તેને પકડવામાં આવ્યો હતો અને પાર્સલ ક્યાંથી આવ્યું તે વિશેની સંપૂર્ણ માહિતી સાહિલ માજોઠીએ રશિયન પોલીસને આપી દીધી હતી તેમ છતાં પણ સાહિલ માજોઠી સામે કેસ ચલાવીને તેને સાત વર્ષની સજા કરવામાં આવી હતી જેથી તે રશિયાની જેલમાં હતો દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં યુદ્ધ લડવા માટે થઈને તેને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને અંતે તેને ટેકનિકલ કામ કરવાનું છે તેવું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે થઈને મોકલવામાં આવ્યો હતો જો કે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર ઉપર જઈને યુદ્ધ લડવાના બદલે ત્યાં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તેને યુક્રેનના કિવ ખાતે આવેલ ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.
દીપા જોસેફે જણાવ્યું છે કે યુદ્ધ ચાલુ છે અને યુદ્ધ કેદીઓ પકડાયા હોય તેને બંને યુદ્ધ લડનાર દેશો એક્સચેન્જ કરતા હોય છે અને જો યુક્રેન તરફથી લીસ્ટમાં સાહિલનું નામ રશિયા મોકલવામાં આવશે અને સાહિલ રશિયા જશે તો ભારત પાછો લાવવો મુશ્કેલ બની રહેશે તે ઉપરાંત તેઓએ યુક્રેન મુલાકાત દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા અને સાહિલ માજોઠીની જેલ જોઈ હતી હવે સાહિલ માજોઠીને પરત લાવવા વિદેશ મંત્રાલય યુક્રેન સરકાર સાથે શું વાટોઘાટો કરે છે તેના પર પરિવારની નજર મંડરાયેલી છે. સાહિલના માતા હસીનાબેન માજોઠીએ રાજકોટ સાંસદ પરષોતમ રૂૂપાલા સાથે મુલાકાત કરી હતી અને સાંસદ દ્વારા દેશના વિદેશ મંત્રાલયને પત્ર લખીને હસીનાબેનની મનોવ્યથા રજુ કરી સાહિલને ભારત પરત લાવવા મંત્રાલય યોગ્ય પગલા ભરે તેવો અનુરોધ કર્યો છે.
