રાજ્યના વહીવટી તંત્રને વધુ વેગવંતું અને પારદર્શક બનાવવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે એકદિવસીય ’કલેક્ટર કોન્ફરન્સ’નો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ જિલ્લાના કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલી સેવાઓનું ડિજિટલાઈઝેશન: કોન્ફરન્સ દરમિયાન i-ORA અને ઈ-ધરા જેવી ઓનલાઇન પોર્ટલ સેવાઓની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને મહેસૂલી કામોમાં પડતી મુશ્કેલીઓ નિવારવા અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી નિકાલ કરવા પર ભાર મૂકાયો હતો તથા જમીનને લગતી વિવિધ કામગીરી, સંકલિત કાયદાઓ અને નવા ઠરાવો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેથી રાજ્યભરમાં જમીન સંપાદન અને માપણી જેવા પ્રશ્નોમાં એકસૂત્રતા જળવાઈ રહે.
વર્ષોથી ચાલી આવતા જમીન અને મહેસૂલને લગતા પડતર કેસોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ કેસોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે કલેક્ટરોને જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. મહેસૂલ વિભાગ હેઠળ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને આગામી સમયમાં અમલી બનનારા નવા સુધારાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
