ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા 10 લોકો પટકાયા : એકનું મોત

પતંગ ઉડાડતી અને લૂંટતી વખતે તેમજ સ્કૂટર ચાલક-સવાર કુલ 40 લોકોને કાતિલ દોરાએ કર્યા લોહીલુહાણ મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે કાતિલ દોરાના કારણે અનેક લોકોને ઈજા…

પતંગ ઉડાડતી અને લૂંટતી વખતે તેમજ સ્કૂટર ચાલક-સવાર કુલ 40 લોકોને કાતિલ દોરાએ કર્યા લોહીલુહાણ

મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે કાતિલ દોરાના કારણે અનેક લોકોને ઈજા અને મોત નિપજતાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે આ વર્ષે ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે સૌરાષ્ટ્રમાં પતંગ ચગાવતાં બાળક સહિત 10 લોકો પટકાયા હતાં. જેમાં એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે પતંગ ઉડાડતી અને લુંટતી વખતે તેમજ સ્કુટર ચાલક અને સવાર મળી કુલ 40 લોકોને કાતિલ દોરાએ લોહીલુહાણ કર્યા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલનો ઈમરજન્સી વોર્ડ દિવસભર ધમધમતો રહ્યો હતો. જેને પગલે તબીબીસ્ટાફે ખડેપગે રહી સારવાર આપી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના સાલપીપળીયા ગામે રહેતાં વિનોદ લીંબાભાઈ વાદકીયા (ઉ.27) ગઈકાલે સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગાશી ઉપર પતંગ ચગાવતો હતો ત્યારે અકસ્માતે અગાશી ઉપરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુદા જુદા નવ સ્થળે પતંગ ચગાવતી વખતે નવ લોકો પટકાયા હતાં. જેમાં ગોંડલમાં આવેલા ખોડીયાનગરમાં નેમિષાબેન ગોપાલભાઈ પરમાર (ઉ.11) પહેલા માળેથી, મોરબીના રફાળીયામાં રમેશભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.40), જાબુકીયા ગામે અગાશી પરથી, રાજકોટમાં રેલનગર વિસ્તારમાં હર્ષ ભરતભાઈ (ઉ.4) પહેલા માળેથી, આજી ડેમ ચોકડી પાસે ઋત્વીક મુન્નાભાઈ ચાવડા (ઉ.16) છત પરથી, કોઠારીયા સોલવન્ટ શુભમ પાર્કમાં તન્વીર પ્રકાશભાઈ ગોહેલ (ઉ.8) ધાબા પરથી, ભગવતીપરામાં હશન મુર્તુજાભાઈ ભારમલ (ઉ.3) સીડી પરથી, ન્યારી ડેમ પાસે આવાસ કવાર્ટરમાં પ્રીન્સ હાર્દિકભાઈ (ઉ.9) સીડી પરથી અને જૂનાગઢમાં રહેતો ઉજેરડા ફેજલભાઈ બ્લોચ (ઉ.9), દુધસાગર રોડ પર અગાસી પરથી પટકાયો હતો.
રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં પરિવારનો રોનક અનીલભાઈ ઉધોજા નામનો છ વર્ષનો બાળક મોરબીમાં આવેલા લાભનગરમાં તેના નાની મંજુબેન વરાણીયાના ઘરે બીજા માળે પતંગ ચગાવતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. નીચે પટકાયેલા બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ ઉપરાંત પતંગ ચગાવતી અને લૂંટથી વખતે તેમજ સ્કુટર સવાર અને ચાલકો સહિત 40 લોકોને પતંગના દોરાથી ઈજા પહોંચી હતી. જેમાં કુણાલ કિશોરભાઈ (ઉ.20), દિનેશ વ્યાસ (ઉ.વ.49), હર્ષ હેમતભાઇ (ઉ.વ.20), નિલેષભાઈ સોલંકી (ઉ.વ.30), નિજલાબન (ઉ.વ.24) , યોગરાજ નિર્મલભાઈ (ઉ.વ.22), વિજયભાઇ (ઉ.વ.44), જયદીપ હિતેષભાઇ (ઉ.વ.12), રહીશ શાદીકઅલી (ઉ.વ.2), કમલેશભાઈ ઝાપડા (ઉ.વ.26) , યજ્ઞેશ રાજપરા (ઉ.વ.25) , આસીફભાઈ જાંબુડીયા (ઉ.વ.50), નસીમબેન આસીમભાઈ જાંબુડીયા (ઉ.વ.45), રયાઝ મોહમદભાઈ (ઉ.વ.14), રાહુલ અડવાણી (ઉ.વ.28),અનીતાબેન લક્ષમણભાઇ (ઉ.વ.40), મહેશભાઈ રાજાભાઈ ગાંગાણી (ઉ.વ.30), વિજયભાઈ પરસાણા (ઉ.વ.38)ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *