આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકોના પ્રશ્નો સમજીને તેના માટે લડત ચલાવવા અને ચૂંટણી અનુસંધાને ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા મોરબી શહેરની જનતા સમક્ષ એક ફોર્મ રજૂ કર્યું છે અને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે.
આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નો સાંભળવા-સમજવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા વિવિધ માધ્યમોના માધ્યમથી લોકોને એક ફોર્મ પહોંચાડવામાં આવ્યું છે.
જેમાં મોરબીની જનતા પોતાના વિસ્તારના પ્રશ્નો લખીને આ ફોર્મ કોંગ્રેસ કાર્યાલય પહોંચાડશે. ત્યારબાદ આ તમામ પ્રશ્નો ઉપર કોંગ્રેસ દ્વારા કામ કરવામાં આવશે. વધુમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના બણગા ફૂકતી ભાજપ સરકાર સમગ્ર મામલે નિષ્ફળ નીવડી છે. નાના વેપારીઓના દુકાનના ઓટલા તોડવામાં આવી રહ્યા છે. ગરીબોના ચોપડા તોડવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે અને લોકોને સુવિધા પણ આપવામાં આવી રહી નથી. નગરપાલિકા સમયે થયેલા કૌભાંડની કમિશનરને લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમ છતાં કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા પરિષદની અંદર 1000 સિમેન્ટની થેલી પથ્થર બની ગઈ છે. આવા તમામ પ્રશ્નોને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે લડાઈ કરવા જઈ રહ્યું છે. આ લડાઈમાં સાથ સહકાર આપવા કોંગ્રેસે જનતાને અપીલ કરી છે. સાથે જ જે ફોર્મ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે તે ભરીને સુપર માર્કેટની બાજુમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયે જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
