સરકારી અધિકારીઓ-કર્મચારીઓના મનસ્વી વર્તનના કારણે સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું એ યુધ્ધ લડવા સમાન
ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવતા કામોનો ઉલાળિયો, અધિકારીઓ ઉપર ગંભીર આરોપ: મુખ્યમંત્રીને ખુલ્લા પત્રથી ભારે ખળભળાટ
ગુજરાત સરકારમાં ફેરફારો બાદ પણ ધારાસભ્યોને અધિકારીઓ સાંભળતા નહીં હોવાની ફરીયાદો યથાવત રહી છે. અગાઉ પણ અધિકારીઓની મનમાની અંગે ફરીયાદો થયા બાદ આજે સતાધારીપક્ષ ભાજપના જ વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી રાજ્યમાં બાબુશાહીના કારણે વહીવટી ખોરંભે પડી ગયાની ફરીયાદ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના કેતન ઇનામદાર, વાઘોડીયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી બળાપો ઠાલવ્યો છે.
પાંચેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્ર નો વહીવટ ખંભોળે ચક્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસ ને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઇ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઇ ગયેલ છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વિડિઓ કોન્ફરન્સના માધ્યમ થી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ ને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપ્પર પોતાને જ સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે.
ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ 35 થી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યો એ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છીએ ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામો ને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂૂરી સામે કડક પગલાં લેવામાં આવે તેવી પત્રમાં માંગણી કરાઇ છે.
