બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર સભ્ય બજેન્દ્ર બિસ્વાસ (42)ની તેમના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપીએ આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ ‘હું તો મજાક કરતો હતો’ તેવું કહીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના સોમવારે (29 ડિસેમ્બર, 2025) સાંજે 6:45 વાગ્યે એક ફેક્ટરીમાં બની હતી. બજેન્દ્ર બિસ્વાસ તેના મુસ્લિમ મિત્ર, નોમાન મિયા સાથે ભાલુકા સબડિસ્ટ્રિક્ટમાં લબીબ ગ્રુપ ગાર્મેન્ટ ફેક્ટરી સુલતાન સ્વેટર્સ લિમિટેડમાં હતા. બજેન્દ્રનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હતું, જે નોમાનની બંદૂકમાંથી ગોળી વાગી હતી. પોલીસે નોમાનની ધરપકડ કરી છે. બજેન્દ્ર અંસારનો સભ્ય હતો. ફેક્ટરીની સુરક્ષા માટે વીસ અંસાર સભ્યો તૈનાત હતા. બજેન્દ્ર બિસ્વાસ 42 વર્ષનો છે અને નોમાન મિયા 29 વર્ષનો છે.
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બજેન્દ્ર અને નોમાન ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે તૈનાત હતા અને ફેક્ટરીની અંદર અંસાર બેરેકમાં રહેતા હતા. વાતચીત દરમિયાન નોમાને બજેન્દ્ર બિસ્વાસ પર બંદૂક તાકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મજાક કરી રહ્યો હતો, પરંતુ ટ્રિગર દબાવવામાં આવી અને ગોળી બજેન્દ્રને વાગી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં હિન્દુઓ પર હુમલાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે 18 ડિસેમ્બરે ભાલુકા વિસ્તારમાં જ દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની નિર્વસ્ત્ર કરી, ઢોર માર મારીને જીવતા સળગાવી દેવાની ભયાનક ઘટના બની હતી. માત્ર 11 દિવસના અંતરે બનેલી આ બીજી ઘટનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
