શિક્ષણ વિભાગના વર્ગ-2ના 200 અધિકારીઓની બદલીનો ઘાણવો

શિક્ષણ વિભાગમાં વર્ગ-2ની બદલીઓમાં ગોઠવણ ચાલતી હોવાના સૂર વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની સાગમટે બદલી કરાતા વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. જેમાં…

શિક્ષણ વિભાગમાં વર્ગ-2ની બદલીઓમાં ગોઠવણ ચાલતી હોવાના સૂર વચ્ચે શિક્ષણમંત્રી દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની સાગમટે બદલી કરાતા વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે.

જેમાં જિલ્લાની કચેરીમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અનેક અધિકારીઓને સ્કૂલોમાં આચાર્ય તરીકે મૂકી દીધા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ લગભગ તમામ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાઓ પર અન્ય જિલ્લાઓમાંથી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-2ના એક સાથે 200 અધિકારીઓની બદલીના આદેશમાં રાજ્યની વિવિધ સ્કૂલોમાં ફરજ બજાવતાં 60 આચાર્યોને DEO- DPEO કચેરી તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ, શિક્ષણ બોર્ડ સહિતની વડી કચેરીઓમાં અધિકારી તરીકે બદલીથી મૂકવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લા અને રાજ્યની કચેરીમાં ફરજ બજવતાં 26 અધિકારીઓને ઉઠાવી સીધા વિદ્યાર્થીઓને ભણાવવા માટે સ્કૂલોમાં આચાર્ય તરીકે મૂકી દેવાયા છે. વર્ષો સુધી વડી કચેરીઓમાં ફરજ બજાવ્યા બાદ હવે આચાર્ય તરીકે બદલી થતાં તેમના મોઢા ઉતરી ગયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય, સુરત, ભાવનગર, આણંદ, જૂનાગઢ, રાજકોટ સહિતની 11 DEO કચેરીના તમામ અધિકારીઓને બદલી નાખવામાં આવ્યાં છે. રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ બોર્ડમાં પણ 90 ટકાથી વધુ વર્ગ-2ના અધિકારીઓની બદલી કરાઈ છે. શિક્ષણ વિભાગમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં નિરંતર બદલીઓ અને ચાર્જ સોંપવાનો સિલસિલો શરૂૂ થયો હતો. બદલી અને ચાર્જના લીધે શિક્ષણ વિભાગ પણ ખૂબ વગોવાયું હતું. અત્યારે જે અધિકારીઓની બદલીઓ થઈ છે એ ફાઈલ જૂના મંત્રી મંડળ વખતથી ચાલતી હતી, પરંતુ મંત્રી મંડળ બદલાઈ જતાં આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતો.

શિક્ષણ વિભાગે 200 અધિકારીની બદલી સાથે 440 અધિકારીઓને વર્ગ-3માંથી વર્ગ-2માં બઢતી આપી છે. જોકે, આ બઢતીમાં પણ ગોઠવણનો દોર ચાલ્યો હોવાની શિક્ષણ આલમમાં ચર્ચા છે. જેમાં અમદાવાદ, સુરત, પાટણ સહિતની કેટલીક ઉઊઘ કચેરીમાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં હોવા છતાં તેમને મૂળ કચેરીઓમા જ વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં પણ આ જ રીતે અધિકારીઓને બઢતી સાથે મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *