ભારતની બેન્કોને હજારો કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા અને આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર વિજય માલ્યાના 70મા જન્મદિવસની સાંજે યોજાયેલી પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને જણા ભારતની કાયદાકીય સ્થિતિ અંગે અત્યંત શરમજનક રીતે મજાક કરતા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં લલિત અને માલ્યા મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા છે. તસવીરમાં દેખાયેલી એક મિસ્ટ્રી યુવતી વિશે અટકળો ચાલ્યા બાદ ખુલાસો થયો છે કે તે મહિલા પિંકી લાલવાણી છે અને ભુતપુર્વ એરહોસ્ટેસ છે. તે લાંબા સમયથી માલીયા સાથે રહે છે.
આ દરમિયાન લલિત મોદી કેમેરા સામે પોતાને ભારતનો સૌથી મોટો ભાગેડુ ગણાવતા જોવા મળે છે. ભારતીય તપાસ એજન્સીઓ જેમને પકડવા માટે વર્ષોથી મથી રહી છે, તેવા વ્યક્તિ દ્વારા જાહેરમાં આ પ્રકારનો સ્વીકાર કરવો તે અત્યંત આશ્ચર્યજનક અને પડકારજનક માનવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર થયાના ગણતરીના કલાકોમાં જ હજારો લોકોએ તેને જોઈ અને તીખી પ્રતિક્રિયાઓ આપી છે.
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા અને લલિત મોદી બંને છેલ્લા એક દાયકાથી ભારતમાં ફાઈનાન્સિયલ ક્રાઈમ અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ તપાસના ઘેરામાં છે. લલિત મોદી આઈપીએલમાં નાણાકીય ગેરરીતિઓના આરોપ બાદ 2010માં ભારત છોડી લંડન ભાગી ગયો હતો. ઈડીની વિનંતી પર તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી થયેલી છે, જોકે તે તમામ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યો છે. વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના નામે બેન્કો સાથે અંદાજે 9000 કરોડની છેતરપિંડી કરી 2016થી બ્રિટનમાં આશરો લઈ રહ્યો છે.આર્થિક ભાગેડું જાહેર કરેલો છે.ભારત સરાર આ બંને ભગોડાઓને પ્રત્યાર્પણ સંધિ દ્વારા પાછા લાવવા માટે બ્રિટિશ કોર્ટમાં લાંબી કાયદાકીય લડાઈ લડી રહી છે.
આટલી ગંભીર તપાસ અને કેસો હોવા છતાં લંડનની ગલીઓમાં તેમની આ પ્રકારની બેફિકર પાર્ટીઓ ભારતીય ન્યાયતંત્ર અને એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.
