RBA પેનલના પ્રમુખ, સેક્રેટરી, જો.સેક્રેટરી, લા.સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા અનામતમાં બે અને કારોબારીમાં 6 ઉમેદવારોની જીત; ઉપપ્રમુખ, એક મહિલા અનામત અને એક કારોબારી બેઠક સમરસના ફાળે
રાજકોટ બાર એસેસોસીએશની ચૂંટણી હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીના પરિણામો પર રાજકીય અગ્રણી સહિત રાજ્યભરનાં વકીલોની મીટ મંડાયેલી હોય છે ત્યારે રાજકોટ બાર એસોસીએશનની ગઈકાલે યોજોલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોની બે પેનલો વચ્ચે જંગ જામ્યો હતો. જે ચૂંટણીમાં ભાજપ લીગલ સેલને ફરી એક વખત હારનો સ્વાદ ચાખવો પડયો છે. જ્યારે બીસીઆઈ મેમ્બર દિલીપ પટેલ જૂથની આરબીએ પેનલનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં આરબીએ પેનલમાંથી પ્રમુખ સેક્રેટરી, જો.સેકેટરી, લા.સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા અનામતમાં બે અને કારોબારીમાં 6 ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે ઉપપ્રમુખ, એક મહિલા અનામત અને એક કારોબારી બેઠક સમરસના ફાળે ગઈ હતી.
જ્યારે સ્વતંત્ર ઉમેદવારો એક પણ બેઠક ઉપર જીત હાંસીલ કરી શકયા ન હતાં. ભાજપ લીગલ સેલને પછડાટ આપી બાર એસોસીએશનનો તાજ કબજે કરનાર આરબીએ પેનલના ઉમેદવારો અને સમર્થકોએ મોડી રાત્રે કોર્ટ પરીસરમાં જીતનો જશ્ન મનાવ્યો હતો.રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પહેલા ભાઈચારાના ભાવે યોજાતી હતી. બાદમાં ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત વકીલો વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો. પરંતુ ભાજપ પ્રેરિત વકીલોમાં જ ચાલતા આંતરીક જુથવાદ બાર એસોસીએશનની ચૂંટણીમાં ઉડીને આંખે વળગી રહ્યો હાયે તેમ છેલ્લા ઘણા સમયથી રાજકોટ બાર.ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વકીલોના બે જૂથ સામસામે ટક્રાઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ભાજપ લીગલ સેલની ટીમે પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારી હતી તેની સામે ભાજપ અગ્રણી અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સહ અધ્યક્ષ દિલીપ પટેલે પોતાની આરબીએ પેનલને ચૂંટણી જંગમાં ઉતારી હતી.
ભાજપ પ્રેરિત વકીલોની બન્ને પેનલો વચ્ચે જામેલા ચૂંટણી જંગમાં ગઈકાલે જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ ખાતે ચૂંટણી યોજાઈ હતી. પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આ વર્ષે પણ ભાજપ પ્રેરીત વકીલોની બે પેનલ સામ સામે મેદાનમાં આવતાં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર 41 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. ગઈકાલે યોજાયેલા મતદાનમાં 4349 જેટલા વકીલ મતદારોમાંથી 2715 જેટલા વકીલોએ મતદાન કરતાં 63 ટકા મતદાન નોંધાયું હતું. ગત વર્ષની સરખામણીએ ધીંગુ મતદાન થયું હોય તેમ છ ટકા મતદાનનો વધારો થયો હતો. બપોર બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી.
ચૂંટણી પરિણામ જાહેર થતાં જ આરબીએ પેનલનો દબદબો યથાવત જોવા મળ્યો હતો. જેમાં પ્રમુખ પદે આરબીએ પેનલના સુમિત વોરા, સેક્રેટરી પદે નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર મહિલા અનામતમાં પ્રગતિબેન માકડીયા, લાઈબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ અને મહિલા અનામતમાં નિશાબેન લુણાગરીયા અને મિનલબેન સોનપાલનો વિજય થયો હતો. જ્યારે લીગલ સેલની સમરસ પેનલના ઉપપ્રમુખ એક મહિલા અનામત અને એક કારોબારી સભ્યની જીત થઈ હતી.
રાજકોટના જામનગર રોડ પર આવેલા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોડી રાત સુધી બાર એસોસિએશનની આ રસપ્રદ ચૂંટણીની મતગણતરી થઇ હતી અને રાત્રિના 2 વાગ્યા સુધી કોર્ટ બિલ્ડીંગ પરિસર અને પટાંગણ વકીલો અને તેમના સમર્થનોથી ધમધમતું રહ્યું હતું. RBA પેનલનો દબદબો યથાવત રહેતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી, ઢોલીના તાલે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે RBA પેનલના નિલેશ પટેલ, જો.સેક્રેટરી તરીકે RBA પેનલના જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર તરીકે RBA પેનલના પ્રગતિ માકડીયા, કારોબારી મહિલા અનામતની 3 સીટ પર સમરસ પેનલના હિરલબેન જોષી, આરબીએ પેનલના નીશા લુણાગરિયા અને મીનલ સોનપાલ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે RBA પેનલના કેતન મંડની જીત થવા પામી છે. આ ઉપરાંત કારોબારી સભ્ય પદ પર આરબીએ પેનલના સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા અને સમરસ પેનલના દીપ વ્યાસની ભવ્ય જીત થવા પામી છે જેમાં સુમિત વોરાને 1498 મત, સિધ્ધરાજસિંહ જાડેજાને 1354 મત, નિલેશ પટેલને 1174 મત, જયેન્દ્ર ગોંડલીયાને 1225 મત, પ્રગતિ માકડીયાને 1383 મત મળ્યા છે.
વકીલોની ચૂંટણીમાં દિલીપ પટેલ ચાણકય સાબિત થયા
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઘણા વર્ષોથી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ જે પેનલને સમર્થન આપે છે તે પેનલનો લગભગ વિજય નિશ્ર્ચિત હોય છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી શહેર ભાજપ લીગલ સેલની ટીમ પોતાની પેનલને બાર એસોસીએશનની ચૂંટણીના મેદાનમાં ઉતારી દિલીપ પટેલના સમર્થન વાળી પેનલને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ વકીલોની ચૂંટણીમાં દિલીપ પટેલની રાજકીય રણનીતિ સામે છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ લીગલ સેની ટીમને હારનો સ્વાદ ચાખવો પડયો છે. વર્ષ 2023ના દિલીપ પટેલ બકુલ રાજાણીને ટેકો આપતાં પ્રમુખ પદના ઉમેદવાર કમલેશ શાહને હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે વર્ષ 2025માં લીગલ સેલના કાર્યદક્ષ પેનલના દિલીપ જોષી સામે દિલીપ પટેલના નેજા હેઠળ ચૂંટણી લડતાં પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂનો વિજય થયો હતો. જ્યારે આ વર્ષે વર્ષ 2026ની ચૂંટણીમાં સુમીત વોરાએ લીગલ સેલની સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુને હારનો સ્વાદ ચખાડયો છે.
પ્રમુખ પદે સુમિત વોરાએ સૌથી વધુ મત મેળવી પોતાનો જ રેકોર્ડ તોડયો
બાર એસોસીએશનની ચૂંટણીમાં આરબીએ પેનલમાંથી પ્રમુખ પદે ચૂંટણી લડનાર સુમિત વોરાએ સૌથી વધુ 1498 મત મેળવી સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુરેશ ફળદુને હરાવ્યા છે. સુમિત વોરા રાજકોટ બાર એસોસીએશનમાં ગત વર્ષે સમરસ પેનલમાંથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતાં અને જેમાં તેણે સૌથી વધુ 1152 મતદ મેળવી ઈતિહાસ રચ્યો હતો. સુમિત વોરાએ પોતાનો જ રેકોર્ડ તોડયો હોય તેમ આ વર્ષે 1498 મત મેળવી પ્રમુખ પદ હાંસીલ કર્યુ છે.
બાર એસો.અને બીસીઆઈ મેમ્બર દિલીપ પટેલ પર એડવોકેટ જીગ્નેશ જોષીએ કરેલા આક્ષેપો વકીલોએ ન ગણકાર્યા
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી પૂર્વે એડવોકેટ ડો.જીગ્નેશ જોશીએ રાજકોટમાં યોજાયેલા નેશનલ લીગલ સેમીનારમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ અને બાર એસોસીએશનના હોદ્દેદારોએ કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપો કર્યા હતાં. જે આક્ષેપોને લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. પરંતુ એડવોકેટ જીગ્નેશ જોશીએ કરેલા આક્ષેપો વકીલોેએ ગણકાર્યા ન હોય તેમ દિલીપ પટેલ જૂથને ખોબલે ખોબલે મત આપી જીતનો જશ્ન મનાવ્યો હતો.
ઉમેદવારો અને તેને મળેલા મતો (કુલ મતદાન 2715)
પ્રમુખ
1) ફળદુ…..983
2) પંડ્યા…..68
3) વાઘેલા…..21
4) વોરા સુમિત..1498
ઉપપ્રમુખ
1) જાડેજા…..1354
2) જાની બિમલ..1202
સેક્રેટરી
1) ડાકા…..185
2) મહેતા…..1075
3) પટેલ નિલેશ…1174
4) રાજ્યગુરુ…..111
જોઈન્ટ સેક્રેટરી
1) ગોંડલિયા…..1215
2) જોષી…..173
3) વેકરીયા……1200
લાઈબ્રેરી સેક્રેટરી
1) અનિલ ડાકા…..257
2) સાગર હપાણી….1114
3) કેતન મંડ….1137
ટ્રેઝરર (મહિલા અનામત)
1) લિંબાસિયા…..1120
2) માકડિયા પ્રગતિ…1383
કારોબારી મહિલા અનામત
1) ગજ્જર…..346
2) જોષી…..1116
3) લુણાગરિયા……1104
4) પંડ્યા…..870
5) રાવ…..735
6) સોનપાલ…..1086
7) ઉપાધ્યાય…..985
8) વિઠલાણી…..420
કારોબારી સભ્ય
1) દિપકકુમાર બારોટ….302
2) યશ ચોલેરા….1087
3) સંજય ડાંગર….1213
4) કેતન જેઠવા….1127
5) સ્તવન મહેતા….1362
6) રણજીત મકવાણા….1080
7) ભાર્ગવ પંડયા….1336
8) વિજય રૈયાણી….1245
9) અશ્ર્વિન રામાણી….1178
10) હસમુખ સાગઠીયા..1042
11) કલ્પેશ સાકરીયા….1170
12) કશ્યપ ઠાકર….976
13) અમીત વેકરીયા….1013
14) દીપ વ્યાસ….1152
