નોકરી મેળવવામાં મદદ કરવાનું વચન આપ્યું : મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ, આધેડની ધરપકડ
રાજકોટથી નોકરી માટે મુંબઈ આવેલી એક પરિણીત મહિલા પર જાતીય હુમલો કરવાના આરોપમાં મુંબઈ પોલીસે 48 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ મહિલાના અશ્ર્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી પૈસા પડાવી તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ બાબતે વધુ વિગત આપતા વાકોલા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટની 32 વર્ષની પરિણીત મહિલા નોકરી શોધી રહી હતી ત્યારે તે આરોપી એપોલોન ફર્નોન્ડિસને મળી હતી. આરોપીએ ફરિયાદી મહિલાને નોકરી મેળવવામાં મદદ કરવાનુ વચન આપ્યા પછી બન્ને મિત્રો બન્યા હતા. વારંવાર વાતચીત દરમિયાન બન્ને વચ્ચે ગાઢ મિત્રતા અને સંબંધો બંધાયા હતા. મહિલાએ ફરિયાદ કરી છે કે આરોપી ફર્નાન્ડિસે તેના અશ્ર્લીલ ફોટા ક્લિક કર્યા હતા. તેણે બાદમાં ફરિયાદી પાસે વારંવાર સેક્સ સંબંધ માટે માગણી કરવાનું શરૂૂ કર્યું હતું. જો તે ના પાડે તો આ ફોટા તેના પતિને મોકલવા અને સોશિયલ મિડિયા પર લીક કરવાની ધમકી આપી હતી.
શુક્રવારે મહિલાએ મુંબઈના વાકોલા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ફર્નાન્ડિસ સામે જાતીય હુમલો, ખંડણી, બ્લેકમેલ જેવી કલમો હેઠળ ગુનો નોેંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે ફર્નાન્ડિસને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
