શાસ્ત્રી મેદાનમાં કચરાના ગંજ, તંત્રની આંખે અંધાપો

બે ગાર્ડ છતાંય બિલ્ડિંગ વેસ્ટ, કચરો ઠલવાય છે, જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી દુર્દશા દર્શાવી રાજકોટ શહેરના મધ્યમાં આવેલું અને કલેક્ટર હસ્તક રહેલું શાસ્ત્રી મેદાન…

બે ગાર્ડ છતાંય બિલ્ડિંગ વેસ્ટ, કચરો ઠલવાય છે, જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી દુર્દશા દર્શાવી

રાજકોટ શહેરના મધ્યમાં આવેલું અને કલેક્ટર હસ્તક રહેલું શાસ્ત્રી મેદાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મેદાનની દયનીય હાલતને લઈને એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે, જેમાં કચરાના ઢગલા અને ગંદકી સ્પષ્ટ જોવા મળે છે. આ વીડિયોએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે.

શાસ્ત્રી મેદાનમાં અગાઉ પણ દારૂૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે તંત્રએ બે ગાર્ડની નિમણૂક કરી હતી. પરંતુ, નાગરિકોનો આક્ષેપ છે કે આ ગાર્ડ્સની હાજરી છતાં મેદાન રામ ભરોસે હોય તેવું લાગે છે. વીડિયો વાયરલ કરનાર જગદીશભાઈ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, મેદાનની ચારેય બાજુ બિલ્ડીંગ વેસ્ટ અને કચરાના ઢગલા જોવા મળે છે. દરરોજ લોકો બેથી ત્રણ ટ્રેક્ટર કચરો અને બાંધકામનો કચરો અહીં નાખી જાય છે, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.

ચોમાસાની ઋતુમાં કચરાના આ ઢગલા રોગચાળાનું કારણ બની શકે છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનો ખતરો વધી રહ્યો છે. જાગૃત નાગરિકો આ પરિસ્થિતિથી ચિંતિત છે અને કલેક્ટર તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જાગશે કે પછી મેદાનની હાલત જેવી છે તેવી જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *