અનામત આંદોલન બાદ બનાવાયેલા બિનઅનામત આયોગ અને બિનઅનામત શૈક્ષણિક નિગમમાં પોણા ચાર વર્ષથી અધ્યક્ષો-ડિરેકટરોની જગ્યાઓ ખાલી
બન્ને સંસ્થાઓને નખ વગરના સિંહ જેવી બનાવી દેવાઇ, કાયમી અધિકારીઓ- કર્મચારીઓની જગ્યાએ ઇન્ચાર્જ, ગ્રાન્ટ પણ બંધ, 3200થી વધુ અરજીઓ ધુળ ખાય છે
“અનેક નેતાઓએ ગુપચુપ રજૂઆતો કરી પણ સરકાર સાંભળતી નથી”
ગુજરાતમાં ઐતિહાસીક પાટીદાર અનામત આંદોલન બાદ રાજય સરકારે બનાવવામાં આવેલ ગુજરાત રાજય બિન અનામત આયોગ અને બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમની રચના કરી હતી. પરંતુ અનામત આંદોલનકારીઓએ રાજકીય ટોપીઓ પહેરી લીધા બાદ છેલ્લા પોણા ચાર વર્ષથી બન્ને સંસ્થાના ચેરમેનો- ડિરેકટરોની નિમણુંક કરવામાં આવી નથી અને બન્ને સંસ્થાઓને નખ વગરના સિંહ જેવી બનાવી દેવામાં આવતા આર્થિક પછાત વર્ગના હજારો વિદ્યાર્થીઓ સહાય માટે વલખા મારી રહ્યા છે ત્યારે હવે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલ કેટલાક આગેવાનોએ બન્ને સંસ્થાઓના હોદેદારોની નિમણુંકો નહીં કરવામાં આવે તો 25 ઓગસ્ટથી ફરી પાટીદાર આંદોલન જીવંત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બિન અનામત આયોગ અને નિગમના અધ્યક્ષો તરીકે હંસરાજભાઇ ગજેરા તથા બાબુભાઇ ઘોડાસરાની નિમણુંકો કરાઇ હતી. પરંતુ છેલ્લા પોણા ચાર વર્ષથી બન્ને સંસ્થાઓ માત્ર ઇન્ચાર્જ અધિકારીઓ- કર્મચારીઓના ભરોસે છોડી દેવામાં આવી હોવાથી બન્ને સંસ્થાઓ માત્ર કાગળ ઉપર જ કાર્યરત હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે. હાલ નિગમમાં વિવિધ સહાયની 3200 જેટલી અરજીઓનો નિકાલ થઇ રહ્યો નથી અને લાભાર્થીઓ હેરાન થઇ રહ્યા છે.નિગમમાંથી ઉચ્ચ અભ્યાસ અને રોજગાર માટે વિદેશ જવા ઇચ્છતા લોકો-વિદ્યાર્થીઓની ફાઇલોની મંજુરી માટે કોઇ કાર્યવાહી થતી નથી અને લોન મંજુર કરવાની પ્રક્રીયા પણ ઠપ્પ થઇ ગઇ છે. સરકારે લાંબા સમયથી ગ્રાન્ટ આપવાનું જ બંધ કરી દીધું હોવાનું જાણવા મળે છે.
ગુજરાતના અનેક આયોગ અને નિગમોમાં ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક થઈ નથી. મોટા ભાગના આયોગ ખાલીખમ પડ્યા છે જેના કારણે વિવિધ સમાજના લોકો હેરાન થઈ રહ્યા છે.
બિન અનામત આયોગમાં પણ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક માટે હવે પાટીદાર સમાજે સરકાર 25 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ગુજરાતમાં બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તથા આયોગમાં ચેરમેન અને પદાધિકારીઓની નિમણૂકમાં થઈ રહેલા વિલંબથી સમાજના વિવિધ વર્ગોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજે આ મુદ્દે સરકારને 25 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બિન અનામત નિગમમાં ચેરમેનની ગેરહાજરીથી હાલ 3200થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. આના કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, ભોજન બિલ સહાય, અને કોચિંગ સહાય જેવી યોજનાઓનો લાભ મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.25 ઓગસ્ટની તારીખનું ઐતિહાસિક મહત્વ છે. જુલાઈ 2015માં પાટીદાર સમાજે અનામત માટે આંદોલનની શરૂૂઆત કરી હતી. પરંતુ 25 ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદમાં મોટું પ્રદર્શન થયું હતું. જેમાં હજારો પાટીદારો એકઠા થયા હતા અને એજ દિવસે પોલીસ સાથે ઘર્ષણની ઘટનાથી આંદોલન ઉગ્ર બન્યું હતું. ફરી એ જ તારીખે પાટીદાર નેતાઓએ સરકાર પર દબાણ વધાર્યું છે.
પાટીદાર સમાજના આગેવાનોનો આરોપ છે કે રાજકીય અને શૈક્ષણિક નેતાઓ આ મુદ્દે નિષ્ફળ રહ્યા છે. સરકાર હવે આ દબાણને કેવી રીતે હેન્ડલ કરશે? શું 25 ઓગસ્ટ પહેલા નિમણૂકો થશે કે પાટીદાર સમાજ ફરી એકવાર આંદોલનનો રસ્તો અપનાવશે?
હાર્દિક પટેલ સહિતના ભાજપના નેતાઓનું ખંધુ મૌન, જાહેરમાં બોલવા પણ તૈયાર નથી!
બિન અનામત આયોગ અને બિન અનામત આર્થિક વિકાસ નિગમમાં પોણા ચાર વર્ષથી હોદેદારોની નિમણુંક નહીં થતા સમગ્ર કામગીરી ઠપ થઇ ગઇ છે. આ અંગે ભાજપના પાટીદાર નેતાઓએ પણ સરકારમાં અનેક વખત ગુપચુપ લેખીત રજુઆતો કરી છે પરંતુ જાહેરમાં કોઇ બોલવા તૈયાર નથી. જયારે પાટીદાર અનામત આંદોલનના ખભે ચડી ભાજપના ધારાસભ્ય બની ગયેલા હાર્દિક પટેલે પણ મૌન સેવી લીધું છે. ચાર ચાર વર્ષથી બન્ને સંસ્થાઓની કામગીરી સંપુર્ણ ઠપ થઇ ગઇ છે.
પરંતુ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પોતાનો સ્વાર્થ પુરો થઇ જતા હવે રાજકીય હોદો પકડીને મૌન થઇ ગયા છે.પાટીદાર આંદોલનના ક્ધવીનર દિનેશ બાંભણીયાએ અવાજ ઉઠાવ્યો છે પરંતુ પાસના અન્ય નેતાઓ- ભાજપના ધારાસભ્યો-નેતાઓ પણ મૌન છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આયોગને ચેરમેન ન મળવા બદલ સરકાર અને પાટીદાર નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ બાંભણિયાના સૂર પૂરાવતા સરકાર પર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, બિન અનામત આયોગ માત્ર નામ પૂરતું જ છે. દિનેશ બાંભણિયાની વાત સાથે અમે સંપૂર્ણ સહમત છીએ અને જો આયોગને ચેરમેન નહીં મળે તો અમે પણ તેની ઓફિસને તાળું મારવા જઈશું. તેમણે વધુમાં જણાવ્યું છે કે, બિન અનામત નિગમમાં હજારો અરજીઓ પેન્ડિંગ છે અને ચેરમેન ન હોવાથી કોઈ કાર્યવાહી થઇ રહી નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે.
