ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરી

મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને…

મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા

બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને જ્ઞાતિના સમીકરણો લેવાશે ધ્યાને

ગુજરાતમાં ધારાસભાની પેટાચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પૂર્ણ થઇ જતા હવે મહાનગર પાલિકાઓની ચૂંટણી પૂર્વે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક તથા ગુજરાતમાં પ્રધાનમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગત શનિવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે રુબરુ મુલાકાતો કરતા ગુજરાતમાં ગમે ત્યારે રાજકીય ફેરફારો થવાની અટકળો વહેતી થઇ છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ નડ્ડા અને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ, ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક અને મંત્રી મંડળમાં વિસ્તરણ બાબતે ચર્ચા કરી હોવાનું મનાય છે. ત્યારે ગુજરાતમાં ‘વિસાવરદ વાળી’ અટકાવવા મંત્રી મંડળમાં મોટી સર્જરી કરવામાં આવે તેવી શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં મંત્રી મંડળના ફેરબદલ માટે વડાપ્રભાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ તથા ભાજપ અધ્યક્ષ જે.પીડ.નડ્ડાએ લીલીઝંડી આપી દીધી છે. જેના કારણે હવે ગુજરાતમાં ગમે ત્યારે રાજકીય ઉથલ પાથલ થવાના નિર્દેશો મળી રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ હાલના મંત્રીમંડળમાં રહેલા અશકત-વૃદ્ધ અને વિવાદાસ્પદ પ્રધાનોને ઘરે બેસાડી યુવાનોને તક આપવામાં આવે તેવી શકયતા છે. આ માટે વર્તમાન પ્રધાનોના રિપોર્ટ કાર્ડ ઉપરાંત જ્ઞાતિ વાઇઝ સમી કરણો ધ્યાને લેવામાં આવશે.ખાસ કરીને ગુજરાતમાં રોડ-રસ્તા તેમજ કાયદો-વ્યવસ્થા સહિતના પ્રશ્ર્ને લોકોમાં નારાજગી વધી રહી છે. ત્યારે મહાનગરોની ચૂંટણી પહેલા ઘણા ચહેરા બદલવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ દરમિયાન એક ડઝનથી વધુ પ્રધાનોને ઘરે બેસાડવામાં આવે તેવી ચર્ચા છે. વિસાવદર ધારાસભ્યની પેટાચૂંટણીમાં પરિણામ બાદ ગુજરાતભરમાં વિસાવદરવાળી કરવાની લોકો દ્વારા મળી રહેલી સતત ચીમકીઓના પગલે ભાજપ હાઇકમાન્ડ મોટી સર્જરી કરે તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે.જોકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથેની મુલાકાત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતું કે, નવી દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીજે.પી.નડ્ડાની સૌજન્ય મુલાકાત કરી અને ખાતર અને આરોગ્ય સહિત વિવિધ વિષયો પર તેમની સાથે ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું છે.

તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી. ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી. રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. વડાપ્રધાનએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. સેચ્યુરેશનના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

પ્રદેશ પ્રમુખનું કોકડું ઉકેલાવાની પણ આશા
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોકડું હજૂ પણ ગુંચવાયેલુ છે. ત્યારે હવે ટૂંકસમયમાં જ નવા પ્રદેશ પ્રમુખની નિમણુક થવાની શકયતા દર્શાવાઇ રહી છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ત્રણ વર્ષની ટર્મ ઉપરાંત એક વર્ષનો સમય પૂરો થઇ ગયો છે અને હવે તેઓ કેન્દ્રમાં જળસંશાધન મંત્રાલય જેવુ મોટુ ખાતુ પણ સંભાળી રહ્યા છે. પાટીલે પ્રમુખપદની જવાબદારીમાંથી મુકત કરવા પણ અનેક વખત ભાજપ હાઇકમાન્ડને વિનંતી કરી છે. પરંતુ હજૂ સુધી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી નહીં થતા સંગઠનની જિલ્લા-તાલુકા સ્તરની પ્રમુખો સિવાયની સંગઠન રચના પણ અટકી ગઇ છે અને નવા પ્રમુખો સાથે જૂના હોદેદારોથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પ્રદેશ પ્રમુખનું કોકડું ઉકેલાઇ જવાની કાર્યકરોમાં આશા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *