બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સચાલકનો પુત્ર નશામાં BMW ચલાવતો હોવાની શંકા
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દીપકભાઈ કારિયાના પુત્ર વત્સલ કારિયાએ પોતના સસરાના ઘરે ગાંધીનગર ગયો હોય જ્યાં પોતાની બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે ચલાવી એક્ટિવા સવાર વૃધ્ધને ઠોકરે ચડાવતા વૃધ્ધનું મોત થયું હતું. આ મામલે ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વત્સલ દીપકભાઈ કારિયાની ધરપકડ કરી છે. ડ્રીંક કરેલો હોવાની આશંકાએ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.
બનાવની પોલીસ ફરિયાદની વિગતો મુજબ ગાંધીનગરના ઉવારસદ વિસ્તારના એફ/304 પ્રમુખ એસોસિએશન સરગાસણમાં રહેતા મુકુલ રાજમોહન રામેશ્વરપ્રસાદ મિશ્રા સવારે ઘરેથી પોતાના એકટીવા મોટરસાઈકલ નંબર આર.જે.01-એસ.એફ. 6734 લઇને દૂધ લેવા માટે નીકળ્યા હતા. ત્યારે ઘરથી થોડે આગળ જતા અનેંર્નીદશ બંગ્લોઝનજીકના રોડ પર બીએમડબલ્યુ કાર બેફામ ગતિએ ધસી આવી હતી અને એક્ટિવાને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં એક્ટિવા અને વૃધ્ધ બન્ને ફૂટબોલની માફક ફંગોળાયા હતા.
માથામાં ગંભીર રીતે ઈજા થતાં વૃધ્ધ મુકુલ રાજમોહનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા. કારચાલકને પણ લોકોએ સ્થળ ઉપરથી ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. બનાવના પગલે અડાલજ પોલીસ મથકના પી.આઈ એલ.ડી.ઓડેદરા સહીતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. કારચાલકની પૂછતાછ કરતાં તે રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક આવેલા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા દીપકભાઈ કારિયાના પુત્ર વત્સલ કારિયા હોવાનું ખુલ્યું હતું. વત્સલના સસરા ગાંધીનગર રહેતા હોય તે કામસર ગાંધીનગર આવ્યો હતો.
મૃતક વૃધ્ધના પુત્ર ભરત મોહન મિશ્રા (ઉ.વ.35)ની ફરિયાદ આધારે વત્સલ દીપકભાઈ કારિયા સામે ગુનો નોંધીને આરોપી વત્સલ કારિયાની પોલીસે ધરપકડ કરી હતી. મૃતક રાજસ્થાનના અજમેરના વતની હોવાનું અને ગાંધીનગરમાં પુત્ર પરિવાર સાથે રહેતા હતા. ઘરેથી નિત્યક્રમ મુજબ સવારે દૂધ લેવા નીકળ્યા ત્યારે બેફામ સ્પીડે બીએમડબલ્યુ કાર લઈને નીકળેલ વત્સલે વૃધ્ધનો જીવલીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માત સર્જાયા બાદ બીએમડબલ્યુ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અડાલજ પોલીસે વત્સલ નશો કરેલી હાલતમાં હોવાની શંકાએ તેનું મેડીકલ કરાવ્યું હતું.
