વેસ્ટ ઝોનમાં યોજાયેલ બેઠકમાં કોર્પોરેટરોએ પોતાના કામ નથી થતા તેવી ફરિયાદો કરી રોષ વ્યકત કર્યો
શહેરમાં તુટેલા રોડ રસ્તા મુદે હોબાળો બોલી ગયા બાદ તંત્ર દ્વારા ત્રણેય ઝોનના વોર્ડની ફરિયાદો માટે રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમા ફકત કોર્પોરેટરોને પ્રવેશ હોવાથી લોકો મેયર સુધી ફરિયાદ કરી શકતા નથી બે ઝોનમાં મીટીંગ યોજાય બાદ ગઇકાલે વેસ્ટઝોનના છ વોર્ડની રીવ્યુ મીટીંગ યોજાયેલ જેમાં ઉપસ્થિત રહેલ તમામ કોર્પોરેટરોએ અન્ય ફરિયાદનો સાથે હોકર્સઝોનમાં નોનવેજના ધંધાર્થીને ફાળવામાં આવેલ જગ્યાનો વિરૂધ કરી વોર્ડના સૂચવેલા કામો થતા નહીં હોવાની ફરિયાદ સાથે રોષ વ્યકત કર્યો હતો અને અલગ અલગ વોર્ડના કોર્પોરેટરોએ ઘણા સમયથી બાકી રહી ગયેલી ફરિયાદો અંગે મેયરને વાકેપ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવો સૂર વ્યકત કર્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા વેસ્ટ ઝોન હેઠળના વોર્ડના કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોનવાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈકાલે તા.15/07/2025, મંગળવારના રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.1,8,9,10,11,12 કુલ-6 વોર્ડના કોર્પોરેટરઓ, અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, હરિસિંહજી ગોહિલ ભવન, વેસ્ટ ઝોન, 150 ફુટ રિંગ રોડ ખાતે રીવ્યુ મિટીંગ યોજવામાં આવી. આ મિટીંગમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે રીવ્યુ કરવામાં આવેલ. જેમાં, કોર્પોરેટરઓ દ્વારા સંતોષપાર્ક, વિદ્યુતનગર, કૈલાશધારા, મણીનગર વગેરે વિસ્તારના રસ્તાઓ પર ખાડાઓનું સમારકામ કરવા, ન્યુસન્સ પોઈન્ટની નિયમિત સફાઈ કરવા, રામાપીર ચોક-150 ફુટ રિંગ રોડ ખાતે ઘણા સમયથી ખોદાણ કરેલ હોય ત્યાં સમારકામ કરવું, નવા વિસ્તારના રસ્તાઓ પર મેટલીંગ કરવા, વોર્ડ નં.1ની નવી વોર્ડ ઓફીસ બનાવવા, નવા ભળેલ વિસ્તારમાં સફાઈ કામદારો ફાળવવા, નાગેશ્વર મેઈન રોડ પર ડીવાઈડર બનાવવા, જીવંતિકાનગર, કષ્ટભંજન વગેરે વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી વિતરણ કરવા, શીતલ પાર્કથી હિમતનગર મેઈન રોડ તથા એનિમલ હોસ્ટેલવાળો રોડ બનાવવાની કામગીરી ઝડપી કરવી, નવા ભળેલ વિસ્તારમાં મોરમ-મેટલથી ખાડાઓનું બૂરાણ કરવું, નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં નોનવેજ લારીઓનું દબાણ દુર કરવું, ટી.પી. પ્લોટ્સમાં બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને બંધ કરાવવા તથા દંડ કરવો વગેરે જેવી રજૂઆત કરેલ. આ મિટીંગમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે વિગતવાર રીવ્યુ કરવામાં આવેલ. આ મિટીંગમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તરફથી આવેલ તમામ રજુઆતો તથા પ્રશ્નોનો આગામી માસમાં યોજાનાર મિટિંગમાં ફરીથી રીવ્યુ કરવામાં આવનાર હોઈ, સંબંધિત તમામ રજુઆતો તથા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી.
તેમજ વેસ્ટ ઝોનના તમામ વોર્ડના પ્રગતિ હેઠળના કામો અને નવા કામોની વહીવટી પ્રક્રિયા અંગે વોર્ડવાઈઝ રીવ્યું કરવામાં આવેલ. જે કામો મંજુર થયેલ છે તે કામોની પ્રિ-ઓડિટ, એજન્સી સાથે કરારનામું તથા વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી એક અઠવાડીયામાં પૂર્ણ કરવા જણાવેલ. જે નવા કામો વહીવટી પ્રક્રિયામાં છે તેવા તમામ કામોની વહીવટી પ્રક્રિયા ઝડપથી થાય તે માટે સતત ફોલોઅપ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. તેમજ જાહેર રસ્તા પરના સર્કલ તથા ડિવાઈડરની સફાઈ કરવી, કોલ સેન્ટર તથા કંટ્રોલરૂૂમમાં નોંધાતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવો, સેન્ટ્રલ ડિવાઈડરમાં વૃક્ષારોપણ અને મોટા છોડનું ટ્રીમીંગ, વોર્ડવાઇઝ પેન્ડિંગ ફાયર એન.ઓ.સી. અરજીઓનો નિકાલ કરવો, વોર્ડવાઇઝ ફાયર એન.ઓ.સી. વગરના લોરાઇઝ, હાઈરાઇઝ બિલ્ડીંગોની ચકાસણી કરી નોટીસો આપવી, શહેરમાં જાહેર માર્ગો પર આવેલ ભયગ્રસ્ત હોર્ડીંગ બોર્ડ દુર કરવા અંગે સંબંધિત એજન્સીને જાણ કરવી, શહેરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવા, વેક્સીનનો પુરતો જથ્થો જાળવી રાખવો, ફૂડના ધંધાર્થીઓને ત્યાં ફૂડના નમુના લેવા, ફૂડની ચકાસણી કરવી, ફૂડ લાયસન્સ સંબંધી ચકાસણી કરવી, જાહેર રસ્તા પરના અસ્થાયી દબાણો તાત્કાલિક દુર કરાવવા, અધિકારી-કર્મચારી ઓએ દરેક વોર્ડના કોર્પોરેટર સાથે સંકલન કરી સ્થાનિક પ્રશ્નોનો સત્વરે હકારાત્મક નિકાલ કરવા વગેરે બાબતો સંબંધી અધિકારી ઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
