ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત, ચીન સહિતના દેશોના અમેરિકામાં આવતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરેલી પણ તેના કારણે અમેરિકાના અર્થતંત્રની વાટ લાગવા માંડી પછી ટ્રમ્પ પોતે જ બનાવેલી ટેરિફની જાળમાંથી બહાર નીકળવા ફાંફાં મારી રહ્યા છે. તેના ભાગરૂૂપે એક તરફ ટ્રમ્પ નવા ટેરિફના અમલની મુદત લંબાવતા જાય છે તો બીજી તરફ દુનિયામાં આર્થિક રીતે મહત્ત્વના કહેવાય એવા દેશો સાથે ટ્રેડ ડીલ એટલે કે વ્યાપાર સોદાબાજી કરી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ બન્યા પછી તાત્કાલિક ટેરિફ લાદવાની જાહેરાત કરનારા ટ્રમ્પે બ્રિટન (યુકે) અને ચીન સાથે ટ્રેડ ડીલ કરીને પહેલાં જ પીછેહઠ કરી લીધી છે. હવે ભારત સાથે ટ્રેડ ડીલ માટે મથી રહ્યા છે. ટ્રમ્પે બે એપ્રિલે વિશ્વભરના દેશો સાથે જેવા સાથે તેવા બનવાનું એલાન કરીને રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. મતલબ કે, અમેરિકાના માલ પર જે દેશમાં જેટલો ટેરિફ હોય એટલો જ ટેરિફ અમેરિકાએ એ દેશના અમેરિકામાં આવતા માલ પર ઠોકી દીધો હતો. આ રેસિપ્રોકલ ટેરિફને પાછળથી 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
આ 90 દિવસની સમયમર્યાદા નવ જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે તેથી ટ્રમ્પ શું કરે છે તેના પર સૌની નજર હતી. ટ્રમ્પે એલાન કરી દીધું છે કે, અમેરિકા દ્વારા લદાયેલો વૈશ્વિક ટેરિફ વધારો નવ જુલાઈથી નહીં પણ એક ઓગસ્ટથી અમલી બનશે. ટ્રમ્પનું એલાન એ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પછી દુનિયાના દેશો બીજા રસ્તા શોધીને વ્યાપાર કરવા માંડયા તેમાં અમેરિકા ફફડી ગયું છે. ટ્રમ્પને એમ હતું કે, ટેરિફના ડરે દુનિયાના દેશો અમેરિકાના પગ પકડી લેશે પણ એવું થયું નથી.
અમેરિકા ભારતને જીએમ પાક અને ડેરી ઉત્પાદનો વેચવા માગે છે પણ ભારત અમેરિકાનો માલ લેવા તૈયાર નથી. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે પણ મતભેદો છે. ભારત ઇચ્છે છે કે અમેરિકા 26 ટકા પારસ્પરિક ટેરિફ અને 10% બેઝલાઇન ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરે પણ અમેરિકા 10 ટકા ટેરિફ નાબૂદ કરવા તૈયાર નથી. ભારતને ઝૂકાવવા માટે ટ્રમ્પે ધમકી આપેલી જે દેશો નવ જુલાઈ સુધીમાં અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર નહીં કરે તેમણે આકરા ટેરિફનો સામનો કરવો પડશે.
