જૂનું બિલ્ડિંગ તોડી ચાર માળનું જીમ, ચેન્જિંંગ રૂમ સહિતની સુવિધાવાળું પેવેલિયન બનાવશે
શહેરને ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ભેટ મળતા રેસકોર્સ ખાતે આવેલ શહેરનું પ્રથમ માધવરાવ સિંધિયા સ્ટેડિયમની સતત અવગણના થઈ રહી હતી. આ સ્ટેડિયમની અવદસા થયેલ છે અને તેનો ઉપયોગ ન થતાં મનપાએ હવે સ્ટેડિયમને અલગ અલગ હેતુ માટે ભાડેથી આપવાનો નિર્ણય લીધો છે. અને સાથો સાથ ઘર આંગણાની મેચ આ સ્ટેડિયમ ખાતે યોજાય તે માટે માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા. 4.83 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાંટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાની બાંધકામ વિભાગમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા પડતર હાલતમાં રહેલ માધવરાવ સિંધિયા સ્ટેડિયમને અલગ અલગ ફંક્શન માટે ભાડે આપવાનો નિર્ણય લીધો છે. જેના લીધે અમુક લગ્ન સમારંભો તેમજ નવરાત્રી આયોજન દરમિયાન સ્ટેડિયમની ખો નિકળી જશે તેવી ચર્ચા જાગેલ છતાં આ નિર્ણય બરકરાર રાખી સ્ટેડિયમમાં મોટાપાયે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંધકામ વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં વર્ષો જૂનું હાલ ત્રણ માળનું પેવેલીયન છે. જે હવે વિશાળ બનાવવામાં આવશે. તેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્ટેડિયમનું જીનું બીલ્ડીંગ તોડી પાડી તેના સ્થાને રૂા. 4.83 કરોડના ખર્ચે ચાર માળનું અદદ્યતન સુવિધા વાળુ નવુ પેવેલિયન તૈયાર કરવામાં આવશે.
માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવીનીકરણ કરવા માટે રૂા. 4.83 કરોડનો ખર્ચો કરાશે જેમાં ચાર માળના બિલ્ડીંગમાં સ્ટાફરૂમ તેમજ ખેલાડીઓ માટે ચેન્જીંગરૂમ સહિતની સુવિધાઓ તથા જીમ તેમજ પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટેડિયમમાં મેચ રમાડવાનું બંધ કરવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક લેવલે રમાતી પ્રતિયોગીતાઓ માટે સ્ટેડિયમ એકદમ ઉપયોગી થઈ શકે તે માટે પેવેલિયનની સાથો સાથ હાલમાં રહેલ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થામાં પણ સુધારા-વધારા કરાશે. પેવેલિયનના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે બીડ ઓપન થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરી વર્કઓર્ડર સાથે ઝડપથી કામ શરૂ કરવામાં આવશે.
કરોડોનો ખર્ચો કરી સ્ટેડિયમ ભાડેથી આપશે
મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનો હવે ઉપયોગ સદજંતર બંધ થઈ જતાં સ્ટેડિયમની થતી જર્જરીત હાલત બચાવવા અને સ્ટેડિયમને કાયમી ધબકતુ રાખવા માટે નવરાત્રી દરમિયાન યોજાતા રાસોત્સવો તેમજ અલગ અલગ પ્રકારની રમતો તથા શૈક્ષણિક હેતુના કાર્યકમો અને ધાર્મિખ હેતુના કાર્યક્રમો માટે સ્ટેડિયમ ભાડેથી આપવાનો નિર્ણય લીધો છે. જેની સામે આજે ક્રિકેટ માટે જ ઉપયોગમાં આવતા પેવેલિયન પાછળ રૂપિયા 4.83 કરોડનો ખર્ચ કરવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યો છે. આથી મહાનગરપાલિકાએ એકબાજુ અલગ અલગ કાર્યક્રમો માટે સ્ટેડિયમને ભાડેથી આપવાની જાહેરાત કરી બીજી તરફ ક્રિકેટને પણ જીવંત રાખવા પેવેલિયન પાછળ કરોડોનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.
