એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા

ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…

ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ સંપર્કવિહોણા, શિહોરમાં 11.6, બોટાદમાં 11, જેસરમાં 10.7, ઉમરાળામાં 10.4 અને સાવરકુંડલામાં 10 ઇંચ વરસાદથી પાણી પાણી

રાજ્યના 36 તાલુકામાં 3 ઇંચથી વધુ પાણી પડ્યું, પ્રથમ રાઉન્ડમાં જ 221 તાલુકા ભીંજાયા, અનેક સ્થળે નદી-નાળા છલકાયા, જળાશયોમાં ધિંગી આવક

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા 24 કલાકમાં જ રાજયના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મોંઘેરી પધરામણી થઇ છે અને આજે સવાર સુધીમાં 221 તાલુકામાં એક મીમીથી માંડી 14 ઇંચ વરસાદ પડી જતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે.

સૌરાષ્ટ્રમાં બોટાદ-ભાવનગર- અમરેલી જિલ્લાને ધમરોળી નાખતા નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે અને અનેક વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 62 તાલુકામાં બે ઇંચથી વધુ તેમજ 17 તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ જયારે સાત તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

મેઘરાજાની પધરામણી સાથે જ તોફાની ઇનિંગમાં બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં રાત્રે દસ કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ ગયેલ છે. ગઢડામાં ગઇકાલે સાંજે 6 વાગ્યાથી આજે વહેલી સવારે 4 વાગ્યા સુધી એકધારો વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

આ સિવાય 24 કલાકમાં પાલિતાણામાં 12 ઇંચ વરસાદ પડી જતા 11 ગામ સંપર્ક વિહોણા થઇ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોમાં બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિહોરમાં 11.6, બોટાદમાં 11, જેસરમાં 10.7, ઉમરાળામાં 10.4, સાવરકુંડલામાં 10, મહુવામાં 9, રાજુલામાં 7.4, અમરેલીમાં 6.8, લિલિયામાં 6.7, વલ્લભીપુરમાં 6.3, ચોટીલામાં 6.2, તળાજામાં 6.1, ગિરગઢડામાં 6, વિંછીયામાં 5.8 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે અનેક નદી-નાળા બે કાંઠે વહ્યા હતા અને જળાશયોમાં નવા નીરની ધિંગી આવક થઇ છે. સાથોસાથ અનેક સ્થળે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોના રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
બોટાદ તાલુકાના લાઠીદડ ગામ નજીક 8 લોકો સાથે એક ઇકો કાર તણાઇ જતા બેને બચાવી લેવાયા છે જયારે 6 લોકો લાપતા છે.

આ સિવાય મહુવાના તલગાજરડા ગા નજીક ગઇકાલે સાંજે પાણીમાં ફસાયેલા 35 વિદ્યાર્થીઓને બચાવાયા હતા તો રાજુલાના પીપાવાવ નજીક પાણીમાં ફસાયેલા 22 મજુરોને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.

36 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ

તાલુકા વરસાદ
ગઢડા 13.9
પાલીતાણા 11.9
સિંહોર 11.6
બોટાદ 11.0
જેસર 10.7
ઉમરાલા 10.4
સાવરકુંડલા 10.0
મહુવા 9.0
રાજુલા 7.4
અમરેલી 6.8
લીલીયા 6.7
વલ્લભીપુર 6.3
ચોટીલા 6.2
તળાજા 6.1
ગીરગઢડા 5.9
વિંછીયા 5.8
હંસોટ 5.4
મોરબી 4.9
બાબરા 4.8
ખાંભા 4.1
ટંકારા 3.9
જસદણ 3.9
ચુડા 3.9
સલાયા 3.9
થાનગઢ 3.7
મુળી 3.6
જૂનાગઢ 3.6
જૂનાગઢ સિટી 3.6
હળવદ 3.5
ભાવનગર 3.5
વાગરા 3.5
જેતપુર 3.5
ઓલપડ 3.3
અંકલેશ્ર્વર 3.3
લાઠી 3.2
માંડવી 3.2

બોટાદના લાઠીદડમાં 8 મુસાફરો સાથેની કાર તણાઇ, 2નો બચાવ, 6 લાપતા

બોટાદમાં ગઈ કાલે ભારે વરસાદના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે લાઠીદડ સાગાવદર ગામમાં એક ઈકો કાર તણાઈ હતી. ઈકો કારમાં આઠ લોકો સવાર હતાં. આ કાર તણાતા 6 લોકો લાપતા થયા છે. જ્યારે બે લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે. તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂૂ કરી દેવાઈ હતી.

લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર ઈકો કારમાં સવાર હતો.પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદના લાઠીદડ સાગાવદર ગામમાં ઈકો કાર ગઈ કાલે પાણીમાં તણાઈ હતી. આ કારમાં લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કાર તણાઈ જતાં તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂૂ કરાઈ હતી. આ કારમાં આઠ લોકો સવાર હતાં. જેમાંથી બે લોકોનું રેસ્ક્યૂ કરી દેવાયું છે. જ્યારે આ બનાવને 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં હજી 6 લોકો હજી લાપતા છે.

બીજી તરફ બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. જેના પાણી રોડ પર ફરી વળતાં આઠ ગામોના રસ્તા બંધ થઈ ગયા છે. ઈકો કાર સહિત એક અન્ય કાર પણ તણાઈ હોવાની માહિતી સામે આવી હતી. બોટાદ શહેરમાં દિનદયાળ ચોક વિસ્તારમાં ભાજપ કાર્યાલય નજીક એક કાર નદીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *