રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ ચોરી કર્યાના ગુનામાં આરોપીઓને રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર-3 માં આવેલ સુમો પોલીપ્લાસ્ટ પ્રા.લી.માંથી બ્રાસ પાઈપ ફીટીંગનું રો મટીરીયલ્સની અલગ અલગ 23 બેગીઓ જેમા એક બેગીમાં 40 કીલો એમ કુલ 920 કીલો બ્રાસ પાઇપ ફીટીંગના રોમટીરીયલ જેની કિંમત રૂૂ.7,42,440 ની ચોરી થયાની ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ધર્મેશભાઈ અશોકભાઈ સતારાએ મેટોડા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અશ્વીન ખીમજીભાઈ ઝાલા, ગોપાલ હીરાભાઈ ચૌહાણ, રામ માનસમની મીશ્રા, દેવીદાસ જીણારામ રામદેપોત્રા, ધર્મેન્દ્ર ભીખાભાઇ રાઠોડ, પૃથ્વી મહેશભાઈ ચૌહાણ, ઉપેન્દ્ર મહેન્દ્રભાઈ ગણાત્રા અને સુરેશ ઉકાભાઈ અકબરીને રીક્ષા સહીત રૂૂ.8.42 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આરોપી સુરેશ અકબરીએ આ ચોરાઉ મુદામાલ ખરીદ કરી પોતાની ગુરુકૃપા મેટલ કાસ્ટ નામની ભઠ્ઠીમાં ઓગાળી ઢાળીયા બનાવી નાખ્યા હતા અને એક શખસ કંપનીનો પુર્વ કર્મચારી હોવાનુ જાણવા મળ્યુ હતું. ઝડપાયેલા આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે પોલીસ દ્વારા લોધિકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં પૃથ્વી ચૌહાણ તથા દેવીદાસ જીણાલાલ વતી યુવા એડવોકેટ વિવેક એન. સાતા રોકાયા હતા
