દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો જોર પકડી રહ્યો છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં એક નવી રિટ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે 43 રોહિંગ્યા શરણાર્થીઓની અટકાયત કરી હતી અને ભારત સરકારે તેમને બળજબરીથી પોર્ટ બ્લેર થઈને મ્યાનમાર મોકલ્યા હતા. અરજદારે પીડિતોને પાછા લાવવા અને તેમનું સન્માન કરવા, તેમને 50 લાખ રૂૂપિયાનું વળતર અને રહેઠાણ પરમિટ આપવાની પણ માંગ કરી છે.
અહેવાલ મુજબ, અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા દેશનિકાલ કરાયેલા શરણાર્થીઓમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. જેને મ્યાનમાર નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાસે છોડી દેવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી 31 જુલાઈએ થશે
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) કાર્ડ ધરાવતા શરણાર્થીઓના એક જૂથની પોલીસે 7 મેના રોજ મોડી રાત્રે ધરપકડ કરી હતી અને 8 મેના રોજ કેસની સુનાવણી ચાલી રહી હોવા છતાં તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે કોઈપણ વચગાળાના નિર્દેશ આપ્યા વિના આ મામલાને 31 જુલાઈ માટે સૂચિબદ્ધ કર્યો હતો.
