મુખડા ક્યા દેખો દર્પણમે : શાંતિ, સંયમ, મધ્યસ્થીની વાતો કરતા પશ્ર્ચિમી દેશોના બેવડા ધોરણ

જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં…

જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેનો વધતો સંઘર્ષ બંધ થાય એવી ઈચ્છા વ્યક્ત કરીને કહ્યું છે કે, બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે મદદ કરવા માટે પોતે તૈયાર છે. ટ્રમ્પે મધ્યસ્થીની ઓફરની સાથે સાથે એવો દાવો પણ કર્યો કે, ભારત અને પાકિસ્તાન બંને સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરી રહ્યા છે પણ હું ઇચ્છું છું કે તેઓ હવે રોકાઈ જાય.

બંને દેશ એકબીજા સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે તેથી આશા છે કે હવે લડવાનું બંધ કરે. યુરોપિયન યુનિયન અને બીજા અનેક દેશો આવું ડહાપણ ડોળી રહ્યા છે.ટ્રમ્પની વાત બકવાસ છે કેમ કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી. અત્યારે ભારત જે કરી રહ્યું છે એ પોતાની સુરક્ષા માટે કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓને મોકલીને ભારતમાં લાશો પાડ્યા કરે અને ભારત કંઈ ના કરે એ શક્ય નથી. ભારતને પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ રસ નથી ને પાકિસ્તાન દુનિયાના એક ખૂણામાં પડયું પડયું સડયા કરે તો પણ ભારતને કોઈ ફરક નથી પડતો પણ પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવે ને ભારત કશું પણ કર્યા વિના બેસી રહે એ શક્ય નથી. ટ્રમ્પે ખરેખર તો પાકિસ્તાને આતંકવાદી હુમલો કરાવ્યો એટલે ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડી એવું કહેવું જોઈએ પણ તેના બદલે એ જુદી જ વાત કરી રહ્યા છે.

પોતાની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો ભારતને અધિકાર છે. ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ખંજવાળ પહેલી વાર નથી ઉપડી. ટ્રમ્પ પહેલાં પણ આ વાત કરી ચૂક્યા છે ને ભારત તેમને ધુતકારી ચૂક્યું છે છતાં ટ્રમ્પ સુધરતા નથી. પાછા બેશરમ બનીને મધ્યસ્થીની વાત લઈને દોડી આવ્યા છે. ટ્રમ્પને દુનિયાના મોટા ભા બનવાની ખંજવાળ છે એટલે એ બધે કડછો માર્યા કરે છે પણ ભારતને કોઈ મધ્યસ્થીની જરૂૂર નથી. ભારત પોતાની સમસ્યાનો ઉકેલ પોતાની રીતે શોધવા સક્ષમ છે. બીજું એ કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો મંત્રણાથી સારા થાય કે કાશ્મીર મામલો ચર્ચાથી ઉકેલાય એ સમય જ પસાર થઈ ગયો છે. ત્રીજા પક્ષની કે ચોથા પક્ષની મધ્યસ્થીની વાત તો પછી આવે છે પણ પહેલાં પાકિસ્તાનનું જે વલણ છે એ જોતાં જ કાશ્મીર મામલે હવે કોઈ પણ પ્રકારની ચર્ચા કે મંત્રણાનો અર્થ નથી. પાકિસ્તાનમાંથી ચાલતા આતંકવાદી નેટવર્કનો સંપૂર્ણ સફાયો કરવામાં ભારતને દિલથી મદદ કરવી જોઈએ. તેની શરૂૂઆત ભારતને પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું અપાવવાથી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *