ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અચાનક સ્થિતિ બદલાઇ ગઇ, ભાજપનું મોવડી મંડળ નવરૂ થાય ત્યારે ગુજરાતનો મુદ્દો હાથ પર લેવાશે લાંબા સમયથી સરકાર-સંગઠનમાં રાહ જોઇને બેઠેલા…

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અચાનક સ્થિતિ બદલાઇ ગઇ, ભાજપનું મોવડી મંડળ નવરૂ થાય ત્યારે ગુજરાતનો મુદ્દો હાથ પર લેવાશે

લાંબા સમયથી સરકાર-સંગઠનમાં રાહ જોઇને બેઠેલા કાર્યકરો-નેતાઓ વેઇટ એન્ડ વોચમાં

કાશ્મીરના પહેલગામમાં ગુજરાતના ત્રણ સહીત 26 હિંદુ પ્રવાસીઓની ત્રાસવાદીઓએ કરેલી ક્રુર હત્યાના પગલે સમગ્ર દેશમાં રોષનો જવાળામુખી ફાટયો છે અને ભારત- પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણુંક અને સરકારમાં ફેરફારોનો મુદો ફરી એક વખત અભેરાઇએ ચડી ગયો છે. અને લાંબા સમયથી સંગઠન તથા સરકારમાં ફેરફારની રાહ જોઇને બેઠેલા કાર્યકરો-નેતાઓમાં વધુ એક વખત નિરાશાની લાગણી જન્મી છે.

અગાઉ એપ્રિલ માસમાં જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થાય અને નવા પ્રદેશ પ્રમુખ ઉપપ્રમુખો, મહામંત્રી, મંત્રીઓ સહીતની નવી ટીમ જાહેર કરે તેવું મનાતું હતું તેમજ રાજયના મંત્રીમંડળમાં પણ ફેરફારો થવાનું અનુમાન હતું.

પરંતુ ગત તા.23ના રોજ કાશ્મીના પહેલગામમાં અચાનક ત્રાસવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓનો હત્યાકાંડ કરતા સમગ્ર સ્થિતિ બદલાઇ ગઇ છે. આ ઘટના બાદ ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફાનો મુદો બાજુ પર જ મુકાઇ ગયો છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હવે સંભવીત યુધ્ધ મોરચે વ્યસ્ત બની જતા ગુજરાતનો મુદો પ્રાયોરીટીમાંથી આઉટ થઇ ગયો છે. હાલ સી.આર. પાટીલ જ કેન્દ્રીય મંત્રી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખપદે ચાલુ રહેશે. જયારે સરકારમાં ફેરફારની વાત પણ હાલ થઇ શકે તેમ નથી.

ભાજપના સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં શહેર-જિલ્લાના પ્રમુખોની બાકી નિમણુંકો આજકાલમાં જ કરી દેવામાં આવનાર છે. પરંતુ પ્રદેશ પ્રમુખની નિમણુંક અને સરકારમાં ફેરફાની હાલ કોઇ શકયતા નથી. ભાજપે રાષ્ટ્રીય પ્રમુખની નિમણુંકની પ્રક્રીયા જ સ્થગિત કરી દેતા હવે પ્રદેશ પ્રમુખોની ચુંટણી પણ સ્થગીત થઇ ગઇ છે.

દેશભરમાં પાકિસ્તાન વિરૂૂઘ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. મે મહિનામાં જ ભાજપે રાષ્ટ્રીય અઘ્યક્ષ નિમવા તૈયારીઓ આદરી હતી. આ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રદેશ પ્રમુખ નિમવા નક્કી કર્યુ હતું પણ પ્રવર્તમાન સ્થિતિને જોતાં ભાજપ હાઇકમાન્ડે અચાનક જ આ બધીય પ્રક્રિયા પર રોક લગાવી છે.

જે.પી. નડ્ડા જ હાઇકમાન્ડપદે યથાવત રહેશે. ગુજરાતમાં તો ઓબીસીને પ્રદેશ પ્રમુખ બનાવવાની ચર્ચા તેજ બની હતી. કોણ પ્રદેશ પ્રમુખ બનશે તે દાવેદારોના નામો પણ વહેતાં થયા હતાં પણ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન હાલ તો સી.આર.પાટીલના હાથમાં જ રહેશે. છેલ્લાં છ મહિનાથી ચર્ચા ચાલી હતીકે, ગુજરાતમાં મંત્રીમંડળનો વિસ્તાર થશે.

કોને મંત્રી બનાવાશે તે અંગે તરેહ તરેહની અટકળો પણ ચાલી હતી. પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં મંત્રીમંડળની વાત પર પૂર્ણવિરામ મૂકાયુ છે જેમની હકાલપટ્ટી થવાની નક્કી છે તે મંત્રીઓ હાલ પુરતો હાશકારો અનુભવ્યો છે જ્યારે જેઓ મંત્રી બનવા ઉતાવળાં થયાં છે તેમને હજુ રાહ જોવી પડે તેમ છે. અત્યારે બધાની નજર ભારત-પાકિસ્તાનની સરહદ પર મંડાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *