અમદાવાદમાં બાર કાઉન્સિલના ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજ્યભરના વકીલો મોટી સંખ્યામાં રહ્યા હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો
રાજ્યમાં પ્રથમવાર એક સાથે 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલો માટે ઓથ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં રેકોર્ડ બ્રેક 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
રાજ્યભરના નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાયદામંત્રી ઋષીકેશભાઈ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને રાજ્યસભાના મેમ્બર મનનકુમાર મિશ્રા તેમજ સોલિસિટર જનરલ તુષારભાઈ મહેતા, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોની હાજરીમાં છેલ્લા પાંચ વર્ષમાં એનરોલ્ડ થયેલા 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેશમાં પોતાની આગવી રીતે પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વકીલોએ શપથ લીધા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે.
જે એક રેકોર્ડ છે. વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં નોંધ લેવાઈ છે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાર કાઉન્સીલ ઑફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, કાઉન્સીલ ઑફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, સોલીસીટર જનરલ તુષાર મહેતા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત જજીસ રાજ્યના તમામ 280 વકીલ મંડોળના હોદ્દેદારો અને ગુજરાતભરમાંથી આશરે 17 હજારથી વધુ વકીલો આ ઈવેન્ટમાં ઉપસ્થત રહ્યા હતા.
ગુજરાતી ભાષા બોલવાથી શરમાશો નહીં: તુષાર મહેતા
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આયોજિત ઈતિહાસમાં તેમના સૌથી મોટા શપથ ગ્રહણ સમારોહમાં હાજર દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા ગુજરાતી ભાષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી, તુષાર મહેતાએ માતૃભાષા વિશે વાત કરતા કહ્યું કે હું ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવા પ્રત્યેની શરમ વધુ જોવું છું, કોઈ મોટા વ્યક્તિને જુએ કે તરત લોકો અંગ્રેજી બોલવાની શરૂૂઆત કરી લે છે, આજે તમે બધા જ્યારે વકીલાતની શપથ લેવાના છો ત્યારે સાથે- સાથે મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં તેની પણ શપથ લેજો, જે ભાષામાં શપથ લો છો, જે ભાષાને તમે પ્રેમ કરો છો અને જે ભાષામાં ગાળ બોલો છો એ ભાષા બોલવામાં શરમાવું જોઈએ નહીં.આપણા લોકો મારા અંગ્રેજી પણામાં ગુજરાતીની લઢણ આવી જશે તેવો ડર રાખે છે પણ અંગ્રેજી બોલતા સમયે પંજાબના કે તમિલના લોકોની પણ તેમની માતૃભાષાની લઢણ આવે છે પરંતુ છતાં પણ તેઓ આત્મવિશ્વાસ સાથે બોલે છે એમ તમારે પણ આત્મવિશ્વાસ સાથે બોલવું અંગ્રેજી જોઈએ.મહત્વનું છે કે આ વિષય પર અનેક લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ હજુ પણ કેટલાક પદાધિકારીઓ જાહેરમાં આ વિશે ખુલીને વાત કરતા ખચકાય છે, ત્યારે આગામી ભાષામાં લોકોને મળતો ન્યાય અને ગુજરાતી ભાષાને મળતું મહત્વ વધે છે કે કેમ તે અંગે સમય જતા ખ્યાલ આવશે.
રાજકોટથી વકીલોને ઓથ સેરેમનીમાં લઈ જવા કરાઈ ખાસ વ્યવસ્થા
પ્રથમવાર એક સાથે 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલો માટે ઓથ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જવા માટે વકીલોમાં થનગનાટ અને અનેરો ઉત્સાહ છવાયો હતો. દરેક જિલ્લામાંથી વકીલો દ્વારા બસો અને વાહનોમાં કાર્યક્રમ સ્થળે જવાની તૈયારી કરાઈ હતી. ત્યારે રાજકોટ શહેર-જિલ્લાના બાર એસોસીયેશનના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિત વોરા, દીલીપભાઈ મહેતા અને ભાજપ લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા દ્વારા કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યા થાય તે માટે વકીલોને ઓથ સેરેમની કાર્યક્રમમાં જવા આવવા માટે પાંચ જેટલી બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આઝાદી સમયે પણ વકીલોનું મહત્ત્વનું યોગદાન હતું: BCG ચેરમેન જે.જે. પટેલ
વકીલોના શપથ સમારોહ અને બાર કાઉન્સિલના કાર્યક્રમ વિશે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે, દેશમાં વકીલોનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. હાલમાં તમામ રાજકીય પક્ષના પ્રવક્તા પણ વકીલ જોવા મળે છે. દેશના આઝાદી સમયે પણ વકીલોનું મહત્વનું યોગદાન રહેલું છે.