છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આબાખૂટ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના પંચે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ વિરુદ્ધ તાલિબાની ઢબે ફરમાન બહાર પાડ્યું છે. આ ફરમાનમાં યુગલને 9 લાખ રૂૂપિયાનો દંડ અને સામાજિક બહિષ્કારનો આદેશ આપવામાં આવ્યો છે.
પીડિત યુવક કાજર જયંતિભાઈ બારિયાના જણાવ્યા અનુસાર, તેમણે તેમના જ ફળિયાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનોએ આ લગ્નનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓ બંને એક જ કુટુંબના હોવાનું માનતા હતા અને તેમના મતે આ લગ્ન યોગ્ય ન હતા. ગામના પંચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને યુવક-યુવતીના લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, પંચે યુવક અને તેના પરિવારજનોને ગામ, સમાજ અને નાતમાંથી બહિષ્કૃત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, પંચે યુવક પાસેથી 9 લાખ રૂૂપિયાની માંગણી પણ કરી હતી. પંચ દ્વારા એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ યુવક કે તેના પરિવારજનો સાથે સંબંધ રાખશે અથવા તેમના ઘરે જશે તો તેને 25 હજાર રૂૂપિયાનો દંડ ભરવો પડશે.
પંચના આ નિર્ણયથી નારાજ યુવકે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. હાલમાં, યુવક અને યુવતી બંને ગામ છોડીને અન્યત્ર રહેવા માટે મજબૂર બન્યા છે. યુવકના પરિવારજનો પણ સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. તેમના ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ગામમાં કોઈ તેમની સાથે સંબંધ રાખવા તૈયાર નથી.
યુવતીના પરિજનો તેમના વલણ પર અડગ છે અને તેઓ કોઈપણ સંજોગોમાં આ લગ્ન સંબંધને સ્વીકારવા તૈયાર નથી. તેઓ 9 લાખ રૂૂપિયાના દંડની માંગણીને નકારી રહ્યા છે, પરંતુ સામાજિક બહિષ્કારની વાત સ્વીકારી રહ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતોની સત્તા અને સામાજિક રિવાજોના નામે થતા અત્યાચારો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કલેક્ટર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.