સતત ચોથા દિવસે તપાસમાં એક ઉદ્યોગપતિના બંગલામાંથી મળી આવ્યો સિક્રેટ રૂમ,2.25 કરોડની રોકડ અને દસ્તાવેજના પોટલા મળ્યા
ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી શરૂૂ છે. આઇટી વિભાગ જુદી જુદી એન્ટ્રીઓ તપાસી તેનું ક્રોસ વેરીફીકેશન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરમાં આઈ ટી ની તપાસ દરમિયાન 34 સ્થળોએ વધુ શંકાઓ અને પુરાવા મળતા તંત્રએ દરોડા-સર્ચની સંખ્યા 46 સુધી પહોંચાડી હતી. ગઈકાલે ગુરૂૂવારે 16 જગ્યાઓએ સર્ચ-દરોડાની કામગીરી પૂર્ણ થઇ હતી પરંતુ 30 સ્થળોએ હજુપણ ચાલુ છે. દરમિયાન તમાકુ સંબંધિત વ્યવસાયકારના ઘરેથી એક સિક્રેટ રૂૂમ મળી આવ્યો છે અને તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય સ્થળોએથી પણ વાંધાજનક ડેટા, સાહિત્ય, કાચી ચીઠ્ઠીઓ, રોકડ રકમ મોટા જથ્થામાં મળી આવ્યુ છે.
ભાવનગરમાં બિલ્ડરો, ફાયનાન્સરો, જવેલર્સ, તમાકુ વ્યવસાયકારો, શિપ નેવિગેશન નિકાસકાર, શિપ બ્રેકર સહિતનાના વ્યવસાયના સ્થળો અને રહેણાંક પર દરોડા અને સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે.
જે પૈકી રણછોડદાસ જીણાભાઈ ધોળકીયા (આર.ઝેડ.)ના માલીક જયેશ ધોળકીયા દુબઈ હતા અને તેઓને તેડાવવામાં આવ્યા હતા. ધોળકીયાના ઈસ્કોન સૌદર્ય વસાહતમાં આવેલી હવેલીમાં જીણવટભરી તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક દિવાલ પર લાકડાનું સુશોભન હતુ તે શંકાસ્પદ લાગતા અધિકારીઓએ ખખડાવ્યુ હતુ અને તેની પાછળ બોદો અવાજ આવતા અંદર મોટો ગેટ નિકળ્યો હતો અને તેની પાછળ એક સિક્રેટ રૂૂમ હોવાનું જણાયુ છે, તે રૂૂમની ચાવી ધોળકીયા પાસે માંગતા તેઓ દુબઈ ચાવી ભૂલી ગયા હોવાનું રટણ કરી રહ્યા હતા, દરમિયાન ગેટના લોક ઉત્પાદકના માણસોને બોલાવાયા છે. 46 જગ્યા પર સર્ચ અને દરોડા દરમિયાન મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપમાં સિક્રેટ ડેટા ડીલીટ કરી નાંખવામાં આવ્યા હોવાની બાબત આવકવેરાના અધિકારીઓને ધ્યાને આવતા ડીલીટ થયેલા ડેટા રીકવર કરવાના કામમાં નિષ્ણાંત લોકો ને બેંગલોર, દિલ્હીથી બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે.
જ્યારે ફાયનાન્સરો પૈકીના બે લોકોની ઓફિસમાંથી 2.25 કરોડની રોકડ અને પોટકા ભરાય તેટલી નવી-જુની ચીઠ્ઠીઓ,કાગળ મળી આવ્યા છે. દરોડાના તમામ સ્થળોના બેંક ખાતા, બેંક લોકરો અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે. પ્રથમ વખત આવકવેરાની કાર્યવાહીમાં સામેલ તમામ કર્મચારીઓ માટે જમવાનું, પાણી અને અન્ય બાબતોની વ્યવસ્થા તંત્ર તરફથી જ કરાઈ છે અને જેને ત્યાં દરોડા હોય તેઓની એકપણ વસ્તુ, સવલતનો ઉપયોગ નહીં કરવા સુચના હોવાનું જાણવા મળેલ છે. દરોડા ની આ કાર્યવાહી ભાવનગરમાં ટોક ઓફ ટાઉન બની ગઈ છે.