સુમેરુ ડેવલોપર્સ અને ધોળકિયા ગ્રુપ તેમજ ફાઇનાન્સરો સહિત 30 સ્થળે ઇન્કમટેક્ષનું સર્ચ ઓપરેશન
રાજકોટ, અમદાવાદ અને ભાવનગરના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
ભાવનગર જિલ્લામાં ઇન્કમટેક્ષ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ભાવનગરના બિલ્ડર અને શિહોરમાં તમાકુના મોટા વેપારી અને તેમના ભાગીદારો ફાઇનાન્સરો સહીત જિલ્લામાં 30 જગ્યા પર ઇન્કમટેક્ષ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન શરૃ કર્યું છે. સવારેથી પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટ,ભાવનગર અને અમદવાદના 150થી વધુ અધિકારીઓએ દરોડા પડ્યા હતા. ભાવનગરના સુમેરુ ડેવલોપર્સ અને શિહોરના તમાકુના વેપારી રણછોડભાઈ ધોળકિયાને ત્યાં આવકવેરાએ દરોડા પડ્યાની જાણ થતા ઉધોગપતિઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો.
સિહોરમાં તમાકુના વેપારી રણછોડભાઈ ધોળકિયાને ત્યાં આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. તેમજ ઉદ્યોગપતિઓ પણ આઇટીની આંટીમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમાકુના વેપારીઓ, સોનાના વેપારીઓ અને ફાઇનાન્સરો પર પણ તવાઇ બોલાવવામાં આવી છે. 150થી વધુ અધિકારીઓની ટીમો રાજકોટ આવી હતી અને પછી રાજકોટ,ભાવનગર અને અમદવાદના અધિકારીઓ એકસાથે ભાવનગરમાં દરોડા માટે પહોચ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરોડા દરમિયાન મોટાપાયે કરચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.