પદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું

મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી…

મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને કારણે ભાજપની આબરૂૂનો ધજાગરો થઈ ગયેલો. વિપક્ષો સતત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકારના માથે માછલાં ધોઈ રહ્યા હતા પણ ભાજપની નેતાગીરીના પેટનું પાણી નહોતું હાલતું.

રવિવારે અચાનક જ બિરેનસિંહને ભાજપ હાઈકમાન્ડનું તેડું આવ્યું અને દિલ્હી બોલાવાયા. બિરેનસિંહે રવિવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા અને પછી બપોરે ભાજપ તથા સાથી પક્ષોના ધારાસભ્યો સાથે જઈને રાજીનામું ધરી દીધું. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી લેતાં બિરેનસિંહની મુખ્ય પ્રધાન તરીકેની ઈનિંગનો અંત આવી ગયો છે. જો કે, તેમણે રાજીનામું પોતાની નિષ્ફળતા સ્વીકારી અથવા હિંસા બદલ પસ્તાવાના કારણે નહીં પણ પક્ષના ધારાસભ્યના દબાણથી આપ્યું છે. વાસ્તવમાં ભાજપ મોવડી મંડળે તેમને વહેલા છૂટા કરી દેવાની જરૂર હતી.

મણિપુરમાં 3 મે, 2023થી કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ હિંસાને 650થી વધુ દિવસો વીતી ગયા છે એ જોતાં ભાજપ અત્યાર લગી ઘોરતો હતો તેમાં શંકા નથી. બિરેન સિંહ પણ નૈતિકતાને નેવે મૂકીને સાવ નફ્ફટ બનીને સત્તાને વળગી રહ્યા હતા. આઘાતની વાત એ હતી કે, દોઢ વર્ષથી ચાલી હિંસા ચાલી રહી હોવા છતા કશું બોલતા જ નહોતા, 2024ના વરસના છેલ્લા દિવસે તેમણે મોં ખોલીને મણિપુરમાં થયેલી હિંસા અને તેમાં થયેલી જાનહાનિ માટે માફી માગી હતી.

બિરેનસિંહ માફી માગવાના બદલે રાજીનામું આપી દેવાની જરૂૂર હતી કેમ કે મણિપુરમાં ભાજપની સરકાર હોય અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલતી હિંસા પોણા બે વર્ષથી રોકી ના શક્યા એ બહુ મોટી નિષ્ફળતા જ કહેવાય. મણિપુરમાં થઈ એવી હિંસા ભારતના બીજા કોઈ રાજ્યમાં થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *