વોર્ડ નં.4,5,6,15,16,18માં નવી સોસાયટીઓ અને ટીપી રોડ પર મેટલિંગને મંજૂરી
ગત બજેટમાં બાકી રહેલા રોડ-રસ્તાના કામો માટે ધડાધડ ટેન્ડર કરતું મનપા
રાજકોટ શહેરનો વ્યાપ વધતા ગ્રામ પંચાયતોના વિસ્તારોનો મનપાની હદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામો આજે પણ અધુરા રહ્યા હોય ગત વર્ષે મનપાની હદમાં પડેલા પાંચ ગામો તેમજ અગાઉના વર્ષોમાં કોઠારિયા સહિતના વિસ્તારોના રોડ-રસ્તાના કામો અધુરા હોય ગત બજેટમાં ઈસ્ટઝોનના 6 વોર્ડના રોડ-રસ્તા માટે ખર્ચનીજોગવાઈ કરેલ અને નવુ બજેટ જાહેર થતાં જ બાકી રહી ગયેલા કામો ઝડપથી પુરા કરવા માટે મહાપાલિકાએ ઈસ્ટઝોનના છ વોર્ડના 180થી વધુ રોડ-રસ્તાના મેટલીંગ કામ અને પેવર રોડ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી વર્ક ઓર્ડર મળે તે મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના ઈસ્ટજોનના મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચીત રહી ગયા હોય તેવી ફરિયાદો અવાર નવાર ઉઠવા પામી હોય ગત બજેટમાં કોર્પોરેટરો દ્વારા સુચવવામાં આવેલા રોડ-રસ્તા સહિતના લોકોની પાયાની જરૂરિયાતના કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી બજેટમાં ઈસ્ટઝોનના 6 વોર્ડમાં પ્રથમ ટીપી રોડ અને નવી બનેલી સોસાયટીઓના રોડ-રસ્તાઓ તેમજ યુટીલીટી રોડને અગ્રતા આપી ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી.
પરંતુ આજ સુધી કામગીરી હાથ ધરાયેલ નહીં જેથી તાજેતરમાં કોર્પોરેટરો દ્વારા કામ થતાં ન હોવાની ફરિયાદો ઉઠતા મેયરે અધિકારીઓને કોર્પોરેટરો સાથે જોનલવાઈઝ મીટીંગનું આયોજન કરી બાકી રહેતા કામો નવા બજેટની અમલવારી થાય તે પહેલા પુરા કરવા અથવા વર્કઓર્ડર આપી દેવાની સુચના આપેલ જેના લીધે ઈસ્ટઝોનમાં સૌથી વધુ રોડ-રસ્તાના કામો બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા મેટલીંગ તથા પેવરીંગ કામ માટેના અલગ અલગ ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં મેટલીંગ કામમ માટે 9.52 કરોડ તેમજ સોસાયટીઓના રસ્તા માટે 1.35 કરોડ અને પેવર રોડ માટે રૂા. 11.74 કરોડના કામોના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
ઈસ્ટઝોનના વોર્ડ નં. 4, 5 અને 6 તેમજ મોરબી રોડની ઉપરના વિસ્તારોમાં રોડ રસ્તાનું મોટાભાગનું કામ બાકી હોય નવી બનેલી સોસાયટીઓ તેમજ બાકી રહેલી સોસાયટીઓના મેટલીંગના કામો પૂર્ણ કરવા માટે તેમજ મુખ્યમાર્ગો ધોવાઈ ગયેલા હોય જેના ઉપર પેચવર્ક કામ થયું હોય તેવા તમામ રોડ ઉપર નવું પેવરકામ કરી મઢવામાં આવશે. ગત બજેટમાં બાકી રહી ગયેલા તમામ રોડ-રસ્તાના કામોના એક સાથે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અને આ મુદ્દે ઝડપી પ્રક્રિયા હાથ ધરી સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી બે માસની અંદર વર્કઓર્ડર આપી દેવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
30 સોસાયટીઓમાં નવા રસ્તા
મહાપાલિકા દ્વારા ઈસ્ટઝોનમાં બાકી રહી ગયેલા રોડ રસ્તાના કામો માટે ઝડપી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં વોર્ડ નં. 4 માં શિવમ પાર્ક, સુખસાગર સોસાયટી, લાતી પ્લોટ, ગણેશનગર, રોહિદાસપરા, ખોડિયારપરા, ભગવતીપરા, જયપ્રકાશનગર, રિધ્ધિ-સિધ્ધિ સોસાયટી, હરસિદ્ધી સોસાયટી તેમજ લાગુ ટીપી રોડ અને ભગવતીપરા મેઈન રોડ સહિતના મુખ્યમાર્ગો અને સોસાયટીઓમાં મેટલીંગ તથા પેવર કામ કરવામાં આવશે. તેવી જ રીતે નવીબનેલી 30થી વધુ સોસાયટીઓમાં પ્રથમ મેટલીંગ કામ કરી નવા રોડ બનાવવામાં આવશે.
સોખડાથી કુવાડવા સુધીનો પેવર રોડ બનશે
મહાપાલિકા દ્વારા ઈસ્ટઝોનમાં મોટાભાગના રોડ-રસ્તાઓ નવા બનાવવા તેમજ મેટલીંગ કામ માટે રૂા. 22.61 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છ વોર્ડમાં સોસાયટીઓ તેમજ મુખ્યમાર્ગો સિવાય સોખડા ચોકડીથી કુવાડવા તરફ જતાં રોડનું નવીનીકરણ કરવામાં આવશે. હાલ આ રસ્તો જર્જરીત હાલતમાં હોય લોકો દ્વારા રોડ બનાવવાની માંગ કરવામાં આવેલ જેને બજેટમાં સમાવીસ્ટ કરી ખર્ચ મંજુર કરાવમાં આવ્યો છે. અને રૂા. 9.12 કરોડના ખર્ચે સોખડા ચોકડીથી કુવાડવા રોડ સુધીનો નવો ડામર રોડ બનાવામાં આવશે.
કોર્પોરેટર દ્વારા સૂચવેલા નવા કામોનું લિસ્ટ તૈયાર
ગત બજેટમાં જોગવાઈ કરેલા મોટાભાગના કામો નવુ બજેટ પ્રસિદ્ધ થયું છતાં અધુરા રહી ગયેલ છે. અને આ મુદ્દે કોર્પોરેટર દ્વારા પદાધિકારીઓ સહિતનાને ફરિયાદો કરતા મેયરે તાજેતરમાં અધુરા કામો પુર્ણ કરવાનીસુચના આપી છે ત્યારે કોર્પોરેટરો દ્વારા પોતાના વોર્ડમાં બાકી રહી ગયેલા પાયાની જરૂરિયાત વાળા રોડ રસ્તા ભુગર્ભ તેમજ પીવાના પાણીની લાઈન સહિતના કામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અને તે મુજબની દરખાસ્ત કમિશનર વિભાગમાં કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
