દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. .દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપે બહુમતીના આંકડાને પાર કર્યો છે. મતગણતરી વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યું છે.
https://x.com/OmarAbdullah/status/1888071546344034707
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘મહાભારત’ સિરિયલનો એક સીન શેર કરતી વખતે, ઓમર અબ્દુલ્લાએ લખ્યું, ‘લડો હજુ એકબીજા સાથે!’… સ્પષ્ટ છે કે તે કોંગ્રેસ અને AAPના દિલ્હીમાં અલગ-અલગ ચૂંટણી લડવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે.
કોંગ્રેસ અને AAP કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોકનો ભાગ છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન કામ કરતું નથી. પહેલા હરિયાણા અને પછી દિલ્હીમાં કોંગ્રેસ અને AAP એકબીજા સામે ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએ ભાજપને ફાયદો થયો.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.