ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈ મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વર્ષમાં ધોરણ 10માં ગણિત વિષયના બે અલગ પુસ્તક કરવા માંગ ઊઠી છે. જેને લઇને ગુજરાત શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. ધોરણ 10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવા બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે.
અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે. નવા શૈક્ષણિક વર્ષથી બંને ગણિત માટે અલગ અલગ પુસ્તકની વિચારણા થઇ રહી છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય જે. વી. પટેલએ જણાવ્યું કે, આ વર્ષે ગણિત વિષયમાં 78 હજાર જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરિક્ષા આપશે. જ્યારે બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિત વિષયની વિદ્યાર્થીઓ પસંદગી કરે છે. બેઝિક ગણિત પ્રત્યે વધુ ઝૂકાવને જોતાં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનાં પુસ્તકો અલગ તૈયાર કરવાની બોર્ડમાં રજૂઆતો કરી છે. આવનાર દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાશે.
મહત્વનું છે કે, હાલમાં ગણિત વિષય ધોરણ 10માં એક જ પુસ્તકમાંથી ભણાવવામાં આવે છે. જેથી જે વિધાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતના ટોપિક ના ભણવા હોય તો પણ ભણવા પડે છે. જેથી જો બે અલગ અલગ પુસ્તકો બને તો સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત લેવા માંગતા અન્ય વિદ્યાર્થીઓને ફાયદો થઇ શકે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતના ટોપીક ભણવા જ માંગતા નથી તેમ જ તેઓની આગળની કારકિર્દીમાં પણ તેઓ ક્લિયર છે કે, એવા ટોપિક સાથે કારકિર્દીમાં આગળ વધવું નથી તો તેઓ માટે પણ અલગ પુસ્તકો વધારે ઉપયોગી થઇ શકે તેમ છે. આ મામલે પહેલા સૂચનો મગવવામાં આવશે. આ મામલે પુસ્તકો અલગ કરવા પડે તેનો અલગથી ખર્ચ કરવો પડે જેથી તમામ પાસાઓને વિચારણા કરી નિર્ણય લેવાઈ શકે છે.