રાજ્યની સહકારી સંસ્થાઓ અને નિર્દિષ્ટ સહકારી મંડળીઓના લાખો કર્મચારીઓની નોકરીઓથી સંબંધિત નિયમો ઘડવામાં સરકારની ઉદાસીનતા મામલે હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં સરકારના સહકારી વિભાગના રજીસ્ટ્રાર તરફથી એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ એ સોગંદનામામાં કરવામાં આવેલી રજૂઆતો અસ્પષ્ટ હોવાથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારના સહકારી વિભાગના પ્રિન્સિપલ સચિવને સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 28મી ફેબ્રઆરીના રોજ મુકરર કરાઈ છે.આ મામલે ધી ચામુંડા કોટન સેલ્સ કો-ઓપરેટિવ સોસાયટી લિ. તરફથી એડવોકેટ શિવાંગ જાનીએ હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી છે.
જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે,થગુજરાત રાજ્યમાં 85 હજાર પ્રાથમિક સહકારી મંડળી, 300 નિર્દિષ્ટ સહકારી મંડળીઓ છે. જેમાં કામ કરતાં લાખો કર્મચારીઓ માટે તેમની નોકરી અંગેનો કોઇ નિયમો હજુ સુધી ઘડવામાં આવ્યા જ નથી. સહકારી કાયદાની કલમ 76માં આ નિયમો ઘડવા અંગેના અધિકાર સરકારને અપાયા છે. તેમ છતાંય સરકારે ભારે ઉદાસીનતા દાખવી છે અને કોઇ નિયમો બનાવવામાં આવ્યા નથી. જેના કારણે રાજ્યના હજારો સહકારી મંડળીઓમાં કામ કરતાં કર્મચારીઓનું ભાવિ અનિશ્ચિત રહે છે. તેથી સહકારી કાયદાની કલમ 76 હેઠળ નિયમો ઘડવાના આદેશો સરકારને કરવા જોઇએ.વધુમાં એવી રજૂઆત કરાઈ કે, પસહકારી કાયદાની કલમ-156 અન્વયે ગુજરાત કો-ઓપરેટિવ કાઉન્સિલની રચનાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેમાં સહકાર સચિવ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ટોચની સંસ્થાના અધિકારીઓ સભ્ય તરીકે રાખવાના હોય છે. આ કાઉન્સિલે નીતિ વિષયક નિર્ણયો અને કઇ રીતે વિકાસ થાય એના સૂચનો સરકારને કરવાના હોય છે.
કાયદાની આ જોગવાઇનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે અને છેલ્લે વર્ષ 2011માં કાઉન્સિલની એક બેઠક થઇ હતી, ત્યારબાદ પણ સતત કાઉન્સિલનું ગઠન કરીને બેઠક કરવી જોઇએ. પરંતુ એ પણ કરવામાં આવતી નથી. તે ઉપરાંત કાયદાની કમલ-156 હેઠળ સહકારી મંડળીઓમાં ખરીદી માટેના નિયમો અને ઇ-કોમર્સથી ખરીદી કરવી જોઇએ કે નહીં એ બાબતે પણ રિટમાં દાદ માંગવામાં આવી છે.થ આ સમગ્ર મામલે સહકાર વિભાગના રજીસ્ટ્રાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એ જવાબથી કોર્ટ સંતુષ્ટ ન થતાં કાયદાના અમલીકરણ અંગે સ્પષ્ટતા કરવા સહકાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હાઇકોર્ટે આદેશ કર્યો છે.