શહેરી વિસ્તારોમાં વકરતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને નિયમોના અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરવા સરકારને સૂચના
ગુજરાતમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાને લઇને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને રાજ્યમાં અલગથી ટ્રાફિક પોલીસ ફોર્સ કેડર તૈયાર કરવા અંગે વિચારણા કરવા સૂચન કર્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ટ્રાફિક નિયમન માટે અલગથી ટ્રાફિક પોલીસ ફોર્સ ઉભી કરવા અંગે હવે રાજ્ય સરકારે પણ વિચારના કરી આ મામલે હાઇકોર્ટને જવાબ આપવા જણાવ્યું હતું. આ મામલે હવે રાજ્યને રાજ્ય ટ્રાફિક શાખા સાથે પરામર્શ કરીને જવાબ આપવા જણાવ્યું હતું.
ગુજરાતના નાના મોટા શહેરોમાં છેલ્લા ઘણા વખતથી ટ્રાફિક સમસ્યાએ સોથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં હેલ્મેટ નિયમના અમલીકરણ અંગે સત્તાવાળાઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. તેણે હાઈકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે ચીફ જસ્ટિસની સૂચનાને પગલે જારી કરાયેલા પરિપત્ર વિશે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. વધુ સુનાવણી 14 ફેબ્રુઆરીએ છે. હાઇકોર્ટની બેન્ચ દ્વારા હેલ્મેટ નિયમના અમલીકરણ, ટ્રાફિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને રોડ નિર્માણ અંગેની સુઓ મોટો પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. તેમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે અલગ પોલીસ દળના અસ્તિત્વ વિશે પૂછવામાં આવ્યું હતું.
સરકારી વકીલ જી.એચ. વિર્કે જવાબ આપ્યો કે નિયમિત પોલીસ વિભાગના બિન હથિયારી કોન્સ્ટેબલ ટ્રાફિક વિભાગમાં તૈનાત છે. ત્યારબાદ હાઈકોર્ટે પોલીસ ફોર્સના મહેકમ અને નવી ભરતીની વિશે તેની સમક્ષ રિપોર્ટ મૂકવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતના નાના-મોટા શહેરોમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા બાબતે તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ અને તુટેલા રસ્તાઓ તેમજ ટ્રાફિકજામની સમસ્યાઓ બાબતે થયેલ હાઈકોર્ટમાં સુઓમોટો અંગેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ દ્વારા સરકારી વકીલને કેટલાક પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતાં. જેમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલગ કેડર છે કે નહીં તે અંગે હાઈકોર્ટે કરેલા સવાલ બાબતે સરકારી વકીલે પોલીસ વિભાગના જ સ્ટાફ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે હાઈકોર્ટે કરેલા આદેશ બાદ રાજ્યમાં હવે અલગ ટ્રાફિક બ્રિગેડ ઉભી કરવા માટેની શક્યતાઓ દેખાઈ રહી છે. તે બાબતે હાઈકોર્ટમાં ટુંક સમયમાં જ અહેવાલ રજૂ કરવામાં આવશે. ટ્રાફિક નિયમન માટે અલગ ટ્રાફિક બ્રિગેડ એટલે કે, અલગ ફોર્સ ઉભી કરવા માટે સરકાર શું કાર્યવાહી કરશે તેમજ ટ્રાફિક પોલીસની ભરતી બાબતે કરવામાં આવેલી કાર્યવાહીનો વિસ્તૃત અહેવાલ 14 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
અલગ ટ્રાફિક કેડર માટે સરકાર સરવે કરશે
હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમન માટે અલગ ફોર્સ બનાવવા અંગે અને આ અંગેનો અહેવાલ રજૂ કરવા 14 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ટ્રાફિક નિયમન માટે અલગ ફોર્સ બનાવવા અંગેનો સર્વે કરવામાં આવશે. અલગ ટ્રાફિક કેડર ઉભી કરવાની શક્યતા ઓછી છે છતાં તેને લઈને સરકાર હવે ગંભીરબની છે. પોલીસના મહેકમમાં અલગ ટ્રાફિક ફોર્સ માટે શું કાર્યવાહી કરી શકાય તે સહિતની બાબતો અંગે સરકારે નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મંગાવવા અંગેની વિચારણા કરી છે. તેમજ ટ્રાફિક માટેની અલગ કેડર પાછળનો ખર્ચ તથા મહેકમ અને માનવબળ અંગેની બાબતોનો સર્વે કર્યા બાદ આ અંગે 14 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. રાજ્ય સરકાર ટ્રાફિક સમસ્યાને લઈને અલગ કેડર બનાવવા બાબતે સહમત છે કે કેમ તે આ રિપોર્ટ ઉપરથી નક્કી થશે.
