કુલ રૂા. 13.13 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ, અનધિકૃત મકાનોમાં વીજ જોડાણો કઈ રીતે?: ચર્ચાતો સવાલ
દ્વારકા પંથકમાં શનિવારથી શરૂૂ થયેલા ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં ગઈકાલે રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. ત્યાર પછી આજે સોમવારે પણ સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. છેલ્લા બે દિવસના સમયગાળામાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે રૂૂપિયા 13.13 કરોડ જેટલી કિંમતના 111 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ઐતિહાસિક મહત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનઅધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રએ લાલ આંખ કરી અને આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના અંતે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અંગેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવના બને તે અંગેની પૂરી તકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાંક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી શરૂૂ કરાઈ હતી.જેમાં શનિવારે પ્રથમ દિવસે રૂૂ. 6.72 કરોડની કિંમતની 12500 ચોરસ મીટર ગૌચર સહિતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
અનેક દબાણકર્તા આસામીઓને તેઓના દબાણ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે શનિવારે અધૂરી રહેલી કામગીરી ગઈકાલે રવિવારે સવારથી પુન: આદરવામાં આવી હતી. જેમાં પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેવન્યુ તંત્રએ બાલાપર વિસ્તારમાં જ ડિમોલિશન અંગેની કામગીરી કરી હતી. જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રવિવારે વધુ 45 રહેણાંક દબાણોને ખુલ્લા કરવામાં આવ્યા છે. બે દિવસમાં અંદાજિત 24,400 ચોરસ મીટર જમીન પરના બાંધકામો હટાવાયા છે. આ જગ્યાની કુલ બજાર કિંમત 13.13 કરોડથી વધુ આંકવામાં આવે છે. બેટ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરીમાં કોઈ અડચણ ન થાય તે માટે સમગ્ર પંથકને જાણે કોર્ડન કરી દેવામાં આવ્યો હોય તેમ બહારથી યાત્રાળુઓની અવરજવર મહદ અંશે બંધ થઈ ગઈ છે.
આટલું જ નહીં, અહીં કોઈ તોફાની તત્વો માથું ન ઊંચકે અને કાયદાનો અહેસાસ થાય તે માટે પોલીસની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં વાહનોના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું.બેટ દ્વારકા પંથકમાં અનેક લોકોએ સબ ભૂમિ ગોપાલ કી સમજીને સરકારી જગ્યા વણાંકી લીધી છે. એટલું જ નહીં, અહીં આ વિશાળ મકાનો પણ બની ચૂક્યા છે, ત્યારે મૂળ પાયાનો સવાલ એ થાય છે કે આવડા મોટા મકાનોમાં દબાણકર્તાઓએ વીજ કનેક્શનનો લીધા કયા મુદ્દે..? જો અહીં પૂરતી તકેદારી રાખીને વિજ જોડાણ ન આપવામાં આવ્યા હોય કે આવા બાંધકામ થાય તે પૂર્વે જ સ્થાનિક જવાબદારોએ કાર્યવાહી કરી હોય તો આટલા મોટાપાયે દબાણ ન થાય તે મુદ્દો પણ સ્થાનિકોમાં ચર્ચા રહ્યો છે.હાલ બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂૂ થયો છે અને છેલ્લા દિવસના આ સમયગાળામાં કુલ રૂૂપિયા 13.13 કરોડની કિંમતની 24,400 ચોરસ મીટર જગ્યા પરના 111 દબાણો દૂર કરવામાં આવ્યા છે. અનેક પાકા મકાનો ખંઢેર બની ચૂક્યા છે અને આ તમામ કામગીરીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે આ ઝુંબેશ હજુ પણ જારી રહેશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
કોરિડોર પ્રોજેક્ટ તેમજ વિકાસ કાર્યોને ધ્યાનમાં લઈને ડિમોલિશન: એસ.ડી.એમ.
દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા હાલ કોરિડોર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ચાલતા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસમાં આશરે 250 જેટલી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. તાજેતરમાં દ્વારકાના લાઈટ હાઉસ વિસ્તારમાંથી આશરે રૂૂપિયા દોઢ કરોડની કિંમતની 150 સ્ક્વેર મીટર જમીન તેમજ દ્વારકાના મેઈન રોડ વિસ્તારમાં રૂૂપિયા પાંચ કરોડ જેટલી કિંમતના 500 સ્ક્વેર મીટર તેમજ હાથી ગેટ વિસ્તારમાં પણ 200 સ્ક્વેર મીટર ગેરકાયદેસર દબાણો દૂર કરી, બાલાપર બેટ દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલીશન હાથ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીં કરવામાં આવેલા સરવેમાં ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલા રહેણાંક મકાનોને આજરોજ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ પૂર્વે સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે નોટિસો તેમજ ગત તારીખ 8 તથા 9 ના રોજ જન સુનાવણી કરી અને અરજદારોના ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવા અંગેની ધોરણસર કાર્યવાહી કરાઈ હતી. જેમાં ગૌચર સહિતની સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું.
