દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પણ સતાવાર પરિપત્ર બહાર પાડીને તા. 26 ડિસેમ્બરથી સાત દિવસનો રાજય શોક જાહેર કરવામા આવ્યો છે અને નિયમિત પણે જયાં પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાતો હોય ત્યાં ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવા અને રાજયમા કોઇ પણ સતાવાર મનોરંજક કાર્યક્રમો નહીં યોજવા જણાવવામા આવ્યુ છે. આ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામા આવતી તમામ સુચના ધ્યાને લેવા પણ જણાવાયુ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પણ આજના તમામ કાર્યક્રમો રદ કરવામા આવ્યા છે. મુખ્યમંત્રીએ સ્વ. મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પી હતી અને દેશ માટે તેમણે આપેલા યોગદાનને કયારેય ભૂલી શકાશે નહીં તેમ જણાવ્યુ હતુ.
દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 25 ડિસેમ્બર થી તા. 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ગુરૂૂવાર રાત્રે નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આગામી સમયમાં યોજાનાર ફ્લાવર શો ને લઈને પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 1 જાન્યુઆરીનાં રોજ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું સાત દિવસનાં રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તા. 3 જાન્યુઆનાં આસપાસ રોજ ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
