આંદામાન અને નિકોબાર રાજ્ય સહકારી બેંક કૌભાંડ પર મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ ચેરમેન કુલદીપ રાય શર્મા, બેંકના મેનેજિંગ ડિરેક્ટર કે. મુરુગન અને લોન અધિકારી કે. કલાઈવનનની ધરપકડ કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઇડીની આ પહેલી ધરપકડ છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંક અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને સેંકડો નકલી કંપનીઓના નામે લોન મંજૂર કરી, જેમાં આશરે 500 કરોડ રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. આમાંથી આશરે 230 કરોડ રૂૂપિયાનો સીધો ફાયદો કુલદીપ રાય શર્મા અને તેમના નજીકના સહયોગીઓને થયો.
ઇડીનો આરોપ છે કે મુરુગન અને કલાઈવનને તેમના સંબંધીઓના નામે કંપનીઓ બનાવીને લોન મેળવી હતી અને 5% કમિશન માટે અન્ય લોકોને છેતરપિંડીથી લોન પણ આપી હતી. આ પૈસા પાછળથી રોકડમાં ઉપાડીને બેંક અધિકારીઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હાલમાં, કોર્ટે કુલદીપ રાય શર્મા અને કે. કલાઈવનનને આઠ દિવસ માટે ઇડી કસ્ટડીમાં મોકલ્યા છે. ઇડીએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. તપાસ ચાલુ છે.
