સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા ડોળીયા બ્રિજ નજીક વહેલી સવારે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકની સ્થિતિ પણ પ્રભાવિત થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજ નજીક રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ હતી. ઉપરાંત બ્રિજ પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન અંગે પૂરતા અને સ્પષ્ટ સંકેતો ન હોવાથી અંધારામાં વાહનચાલકોને રસ્તો સમજવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે એક પછી એક પાંચ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ ફરી એકવાર માર્ગ સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે પૂરતી લાઇટિંગ અને યોગ્ય ચેતવણીના બોર્ડ લગાવવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટ બંધ રહેવા અને ડાયવર્ઝનની સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનાએ માર્ગ સલામતી અંગે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
